આસામમાં પૂરની સ્થિતિ ગંભીર, 28 જિલ્લાઓમાં લગભગ 23 લાખ લોકો પ્રભાવિત
નવી દિલ્હીઃ ભારે વરસાદને પગલે આસામમાં પૂરની સ્થિતિ સોમવારે પણ ગંભીર છે. 28 જિલ્લાઓની લગભગ 23 લાખ વસ્તી પૂરને કારણે પ્રભાવિત થઈ છે, કારણ કે મોટાભાગની નદીઓના જળસ્તર ખતરાના નિશાનથી ઉપર છે. આ વર્ષે પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડામાં મૃત્યુઆંક 78 હતો, જેમાંથી 66 લોકો એકલા પૂરમાં મૃત્યુ પામ્યા હતા.
દરમિયાન લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સોમવારે સિલચર પહોંચ્યા હતા. તેમજ રાહુલ ગાંધીએ પૂર પીડિતો સાથે મુલાકાત કરી હતી. મણિપુર જતા સમયે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કચર જિલ્લાના ફુલરતાલમાં પૂર રાહત શિબિરની પણ મુલાકાત લીધી હતી.
આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ જણાવ્યું હતું કે, પૂર પ્રભાવિત જિલ્લાઓમાં તમામ રાહત શિબિરો સારી રીતે જાળવવામાં આવી રહી છે અને જ્યાં સુધી પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી પૂરતી આવશ્યક ચીજવસ્તુઓ ઉપલબ્ધ છે. આસામમાં ઘણી નદીઓ ખતરાના નિશાન ઉપરથી વહી રહી છે. જેમાં ખોવાંગમાં બુધી દિહિંગ, શિવસાગરમાં દિખાઉ, નાંગલમુરાઘાટમાં ડિસાંગ, નુમાલીગઢમાં ધનસિરી, ધર્મતુલમાં કોપિલી, બારપેટામાં બેકી, ગોલકગંજમાં સંકોશ, બીપી ઘાટમાં બરાક અને કરીમગંજમાં કુશિયારાનો સમાવેશ થાય છે.
એનડીઆરએફ, એસડીઆરએફ અને સ્થાનિક વહીવટીતંત્ર સહિત અનેક એજન્સીઓ વિવિધ વિસ્તારોમાં તૈનાત 171 બોટ સાથે રાહત અને બચાવ કામગીરી કરી રહી છે. છેલ્લા 24 કલાકમાં વિવિધ એજન્સીઓ દ્વારા કુલ 70 લોકો અને 459 પશુઓને બચાવી લેવામાં આવ્યા છે. રાજ્યભરમાં રસ્તાઓ, પુલો, આંગણવાડી કેન્દ્રો અને માછલીના તળાવોને નુકસાન નોંધાયું હતું.