મુંબઈઃ મહારાષ્ટ્રમાં છેલ્લા અઠવાડિયાથી સતત મુશળધાર વરસાદને કારણે રાજ્યના 5 જિલ્લા ભંડારા, કોલ્હાપુર, સાંગલી, રાયગઢ, ગઢચિરોલી પૂરની ઝપેટમાં છે. જિલ્લા પ્રશાસને નદીઓના કિનારાના વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવાની અપીલ કરી છે. આ સાથે NDRFની ટીમોને પણ કોઈપણ અપ્રિય ઘટનાને પહોંચી વળવા માટે એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. ભંડારા જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી સતત ભારે વરસાદને કારણે વૈનગંગા નદી પણ ખતરાના નિશાનને પાર કરી ગઈ છે. જેના કારણે ભંડારા નજીક કારધા નાના પુલ પર પાણી આવતાં આ પુલ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે.
સતત વરસાદને કારણે ભંડારા જિલ્લાના ગોસેખુર્દ ડેમમાં પાણીની સપાટી વધવાને કારણે ડેમના 33 દરવાજા ખોલવામાં આવ્યા છે. જેના કારણે નદીમાં મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવી રહ્યું છે અને વહીવટી તંત્રએ નદી કિનારે આવેલા ગામોને એલર્ટ જાહેર કરી દીધા છે. જિલ્લા વહીવટીતંત્ર નદી કિનારાના વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થાનો પર ખસેડી રહ્યું છે. એ જ રીતે કોલ્હાપુર જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી સતત વરસાદને કારણે પંચગંગા નદીનું જળસ્તર હવે 41 ફૂટ સુધી પહોંચી ગયું છે. કોલ્હાપુર-રત્નાગીરી, કોલ્હાપુર-ગગનબાવડા હાઈવે ટ્રાફિક માટે બંધ છે. પુણે-બેંગલુરુ હાઈવે તરફ જતો રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો છે.
ગઢચિરોલીમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ગઢચિરોલીમાં સતત વરસાદ અને પૂરના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. પૂરના કારણે અનેક ગામડાઓ સંપર્ક વિહોણા થઈ ગયા છે. હાઈવે પર પૂરના પાણીને કારણે 4 મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગો ગઢચિરોલી-ચામોર્શી, ગઢચિરોલી-નાગપુર, અષ્ટી-અલ્લાપલ્લી, અલ્લાપલ્લી-ભામરાગઢ બંધ કરી દેવામાં આવ્યા છે. આ 4 હાઈવેની સાથે જિલ્લાના 12 રસ્તાઓ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. પૂરની સ્થિતિના કારણે છેલ્લા ત્રણ દિવસથી જિલ્લામાં શાકભાજી, દૂધ અને બ્રેડ જેવી જીવનજરૂરી ચીજવસ્તુઓની અછત સર્જાઈ છે.
રાયગઢ જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી પડી રહેલા વરસાદને કારણે કુંડલિકા નદીએ ખતરાના નિશાનને વટાવી દીધું છે. જેના કારણે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નદી કિનારે રહેતા લોકોને સ્થળાંતર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. સાંગલી નદીમાં કૃષ્ણા નદીનું જળસ્તર પણ સતત વધી રહ્યું છે. જેના કારણે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ છે. મુંબઈમાં આજે સવારથી સતત વરસાદ પડી રહ્યો છે. ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે પરંતુ મુંબઈ મહાનગરપાલિકા દ્વારા પમ્પિંગની મદદથી ડ્રેનેજનું કામ ચાલી રહ્યું છે.