દિલ્હી:રાજધાની દિલ્હીમાં યમુના નદી ફરી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. આજે (રવિવારે) સવારે 6 વાગ્યે યમુનાનું જળસ્તર 205.75 મીટર નોંધાયું હતું. યમુનાનું જળસ્તર વધવાને કારણે દિલ્હીના નીચાણવાળા વિસ્તારોમાં ફરી એકવાર પૂરનો ખતરો મંડરાઈ રહ્યો છે.
પૂર વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આજે 23 જુલાઈએ બપોરે 3 વાગ્યાથી 5 વાગ્યા સુધી યમુનાનું જળસ્તર 206.7 મીટર સુધી પહોંચવાનો અંદાજ છે.
ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદ અને હથિનીકુંડ બેરેજમાંથી યમુનામાં પાણી છોડવાથી રાષ્ટ્રીય રાજધાનીમાં નદીના જળસ્તરમાં વધારો થવાની સંભાવના છે અને પૂરથી અસરગ્રસ્ત નીચાણવાળા વિસ્તારોમાં રાહત અને પુનર્વસન કાર્યને અસર થશે.
જો સાંજ સુધીમાં યમુનાનું જળસ્તર વધુ વધે તો નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાવાની આશંકા છે. આવી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે દિલ્હી સરકાર એલર્ટ પર છે. દિલ્હીમાં યમુનાનું જળસ્તર ગુરુવારે વહેલી સવારે 205.33 મીટરના ખતરાના નિશાનથી નીચે ગયું હતું, જે ફરી વધવાનું શરૂ થયું છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) એ 25 જુલાઈ સુધી હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ કારણે યમુનાના જળસ્તરમાં ફરી એકવાર વધારો થવાની સંભાવના છે.
દિલ્હીના કેટલાક ભાગો છેલ્લા એક સપ્તાહથી વધુ સમયથી જળબંબાકાર અને પૂર સામે ઝઝૂમી રહ્યા છે. દિલ્હીમાં પૂરના પરિણામો વિનાશક રહ્યા છે, શહેરમાં 27,000 થી વધુ લોકોને તેમના ઘરોમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. પ્રોપર્ટી, બિઝનેસ અને કમાણીની દૃષ્ટિએ નુકસાનનો આંકડો કરોડોમાં પહોંચી ગયો છે. નિષ્ણાતોના મતે, દિલ્હીમાં ભયંકર પૂરનું કારણ યમુના નદીના પૂરના મેદાન પર અતિક્રમણ, ટૂંકા ગાળામાં વધુ પડતો વરસાદ અને કાંપનું સંચય છે.