Site icon Revoi.in

ગુજરાતમાં ફરી એકવાર માવઠાનો ખતરો, 1થી 5 જાન્યુઆરી સુધી કમોસમી વરસાદની આગાહી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં શિયાળાના આગમન સાથે જ કડકડતી ઠંડી પડી રહી છે. દરમિયાન તા. 1થી 5મી જાન્યુઆરી સુધી રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવતા ખેડૂતો ચિંતામાં મુકાયાં છે. એટલું જ નહીં 6 જાન્યુઆરી બાદ રાજ્યમાં કડકડતી ઠંડી પડવાની પણ આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શકયતા છે. જેના પગલે રાજ્યમાં કમોસમી વરસાદ વરસવાની શકયતા છે.

હવામાન જાણકારની આગાહી અનુસાર અરબી સમુદ્રમાં આગામી ત્રણેક દિવસમાં વરસાદી સિસ્ટમ સર્જાવાની શક્યતા છે. જેના પરિણામ સ્વરુપે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની શકયતાઓ વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં નવા વર્ષના પ્રારંભ સાથે જ તા. 1થી 5મી જાન્યુઆરી દરમિયાન સમગ્ર રાજ્યમાં હળવાથી ભારે વરસાદની શકયતાઓ જોવા મળી રહી છે. મહિસાગર, પંચમહાલ અને અરવલ્લીમાં કમોસમી વરસાદ વરસશે. આ ઉપરાંત કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડશે. જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવા વરસાદની શકયતા છે. આમ રાજ્યભરમાં તા. 1થી 5મી જાન્યુઆરી દરમિયાન હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ઉત્તર ભારતમાં પડેલી હિમ વર્ષના પગલે રાજસ્થાન, દિલ્હી સહિતના રાજ્યોમાં કડકડતી ઠંડી પડી રહી છે. જો કે, રાજ્યમાં છેલ્લા બે દિવસથી લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો છે. જેથી રાજ્યની જનતાને ઠંડીમાંથી આંશિક રાહત મળી છે. જો કે, માવઠાની આગાહીને પગલે ફરી એકવાક ખેડૂતો ચિંતામાં ગરકાવ થયાં છે.

(Photo-File)