અમદાવાદમાં શિવરંજની રોડ પર પૂર ઝડપે આવેલી કાર BRTS કોરિડોર સાથે અથડાઈ,ચાલક ગંભીર
અમદાવાદ : શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. મોડી રાતે અને વહેલી સવારે કેટલાક વાહન ચાલકો ફુલ સ્પીડમાં વાહનો ચલાવતા હોવાથી પણ અકસ્માતો સર્જાય છે. આજે દશેરાની સવારે શહેરમાં ફરી એકવાર અકસ્માત સર્જાયો હતો. શહેરના શિવરંજની રોડ ફરી એકવાર અકસ્માતની ઘટના બની હતી. એક કારચાલક પૂરઝડપે કાર હંકારીને બીઆરટીએસ કોરિડોરમાં ઘૂસી ગયો હતો. જોકે, અકસ્માતના બનાવમાં કારચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યો હતો.
શહેરના ટ્રાફિક વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ દશેરાની સવારે શહેરના શિવરંજની રોડ પર એક I20 કાર પસાર થઈ હતી. આ કારનો ચાલકે એટલી સ્પીડમાં ગાડી હંકારી હતી, કે કારનો અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે દોડતી કાર બીઆરટીએસ કોરિડોરમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં કારનો કચ્ચરધાણ નીકળી ગયો હતો, તો કારચાલકને ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાને પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. સમગ્ર ઘટનામાં કારચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે. એક તરફ તે પૂરઝડપે કાર હંકારી રહ્યો હતો, બીજી તરફ તે બીઆરટીએસ કોરિડોરમાં ઘૂસી ગયો હતો. ગણતરીની મિનિટોમાં ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ શિવરંજની રોડ અનેકવાર અકસ્માતો સર્જાયા છે.