રાજકોટ યાર્ડમાં સિમલાથી ફલાવર, બેંગ્લોરથી ટમેટા અને એમપીથી મરચાની આવક શરૂ
રાજકોટઃ રાજ્યમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થઊ ગઈ છે. ત્યારે ખેડૂતો વાવણીના કાર્યમાં વ્યસ્ત બનતા સ્થાનિક ગ્રામ્ય આવકોમાં ભારે ઘટાડો થઈ રહ્યો છે. જેમાં માર્કેટ યાર્ડના શાકભાજી વિભાગમાં સ્થાનિક આવકો ઘટવા લાગી છે અને ચોમાસાના પ્રારંભે ધીમીગતિએ આંતરરાજ્ય આવકો શરૂ થઈ ગઈ છે.
માર્કેટ યાર્ડના વેપારી વર્તુળોના જણાવ્યા મુજબ હાલમાં સિમલાથી ફલાવર અને બેંગ્લોર તેમજ નાસિકથી ટમેટા આવકો શરૂ થઈ ગઈ છે. ટૂંક સમયમાં હરિયાણા અને મધ્યપ્રદેશથી મરચા-મરચીની આવક શરૂ થઈ જશે. ચોમાસાના પ્રારંભે શાકભાજીની સ્થાનિક આવક ન ઘટે તો જ નવાઈ કહેવાય. સ્થાનિક આવકો ઘટવાના કારણે શાકભાજીના ભાવ ઉંચકાયા છે. હાલમાં સારી કવોલિટીના શાકભાજીનો ભાવ પ્રતિ કિલો દીઠ રૂ.20થી 70 બોલાઈ રહ્યો છે. ગઈકાલે હોલસેલમાં રિંગણા રૂ.25ના કિલો અને ગુવાર રૂ.60થી 70નો કિલો વેંચાયો હતો. કેરીની સિઝન પૂર્ણ થવા તરફ પહોંચતા ફરી શાકભાજીની ડિમાન્ડ વધી ગઈ છે.
તાઉતે વાવાઝોડાના લીધે અન્ય જિલ્લાઓમાં શાકભાજીનો પાક નિષ્ફળ જતા ત્યાંના ધંધાર્થીઓ પણ રાજકોટ યાર્ડમાંથી ખરીદી કરી રહ્યા છે જેથી લેવાલી વધી છે. હાલ પરપ્રાંતમાંથી શાકભાજીની આવક થઈ રહી છે. આ વખતે બહારથી આવતા શાકભાજીના વધુ ભાવ ચુકવવા પડે છે. કારણ કે ડિઝલના ભાવમાં તેતિંગ વધારો થતા ટ્રાન્સપોર્ટેશન મોંધુ પડી રહ્યું છે. ગ્રાહકોને પણ મોંઘા શાકભાજી ખરીદવાની ફરજ પડી રહી છે. શાકભાજીની લોકલ આવક ખૂબજ ઘટી ગઈ છે. હજુ એકાદ પખવાડિયા સુધી આવી સ્થિતિ રહેસે એવું વ્પારીઓ કહી રહ્યા છે.