Site icon Revoi.in

ફુલોની ખેતી કરનારા ખેડુતોને પુરતા ભાવ ન મળતા કાશ્મીરી ગુલાબ પશુઓને ખવડાવી રહ્યા છે

Social Share

વડોદરાઃ રાજ્યમાં અમદાવાદની આસપાસ ગુલાબ અને ગલગોટાની ખેતી કરવામાં આવે છે. આ ઉપરાંત પંચમહાલના કાલોલ તાલુકો, તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ ફુલોની ખેતીથી ખેડુતો સારી આવક મેળવતા હતા. પંચમહાલના કાલોલ વિસ્તારમાં કાશ્મીરી ગુલાબનું સારૂએવું ઉત્પાદન થયુ છે, પણ ખેડુતોને યોગ્ય ભાવ મળતા જ નથી. ફુલોને માર્કેટમાં વેચવા જવાનો ખર્ચ પણ નિકળતો નથી આથી ખેડૂતો પોતાના ઢોરને ગુલાબ ખવડાવી રહ્યા છે. કાલોલ તાલુકાના કેટલાક ગામડાઓમાં ગમાણ (ઢોરને રાખવાની જગ્યા) ગુલાબની સુગંધથી મઘમઘી ઊઠી છે. કારણ કે આજકાલ પશુઓને કાશ્મીરી ગુલાબ ખવડાવવામાં આવી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ કાલોલ તાલુકામાં ગુલાબની ફસલ સારી એવી થઈ છે. ખેડૂતોએ માવજત કરીને ગુલાબનું વધુ ઉત્પાદન મેળવ્યુ છે. પરંતુ કાશ્મીરી ગુલાબના પોષણક્ષમ ભાવ પણ મળતા નથી. એટલે પશુઓને ગુલાબ ખવડાવવા ઉપરાંત, મંદિરો અને અન્ય ધાર્મિક સ્થળોએ પણ ફૂલોનું દાન કરવામાં આવે છે તેમજ જેમને જોઈતા હોય તેમને પણ વિનામૂલ્યે આપવામાં આવે છે. હાલમાં જ, કેટલાક ખેડૂતોએ તેમની પરિસ્થિતિને ઉજાગર કરવા માટે કેનાલમાં નર્મદાના પાણીમાં ગુલાબ ફેંકી દીધા હતા.
કાલોલ તાલુકાના ખેડૂતોએ જણાવ્યું હતું કે, તેમને એક દિવસમાં 100 કિલો ફૂલ ફેંકી દેવા અથવા મફતમાં વહેંચવાની ફરજ પડી હતી.  ખેડુતોને વડોદરામાં કિલો ગુલાબના 10 રૂપિયા મળે છે. ખેડુતો શક્ય એટલા ગુલાબ વેચે છીએ અને બાકીના વધેલા ગુલાબ પશુઓને ખવડાવી દેવામાં આવે છે.  દેલોલ પાસે આવેલા રામનાત, કંડાચ અને સગનપુરા ગામમાં મોટાપાયે ગુલાબની ખેતી થાય છે. સૌથી વધારે જથ્થો વડોદરા અને ગોધરામાં વેચાય છે. ખેડૂતો વહેલી સવારે ફૂલોને તોડીને બજારમાં લઈ જાય છે. દેલોલના સરપંચ  કે જેઓ પણ ફૂલોની ખેતીમાં સંકળાયેલા છે, તેમણે કહ્યું હતું કે, રોજ આશરે બે હજાર કિલો ગુલાબનું ઉત્પાદન થાય છે. હાલમાં લગભગ 800 કિલો પાકનું વેચાણ થાય છે અને બાકીના પાકનો નિકાલ કરવામાં આવે છે. નવરાત્રી દરમિયાન એક કિલો ગુલાબનો કિલોનો ભાવ 500 રૂપિયા હતો જે ઘટીને હવે 10થી 15 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો હતો.  જો આવનારા દિવસોમાં પણ આ જ સ્થિતિ ચાલુ રહેશે તો ખેડૂતોએ ગુલાબની ખેતી છોડી દેવી પડશે.
સગનપુરા ગામના ખેડુતોના જણાવ્યા મુજબ, ફૂલોની ખેતી કરનારાઓ માટે ભાવ સમસ્યાનો એક ભાગ છે. ‘એપીએમસી માર્કેટમાં પણ ફુલોની ખેતી કરનારા ખેડુતો માટે જગ્યા નથી. વડોદરામાં ફૂલ બજાર અસંગઠિત છે, જે વહેલી સવારે ખૂલે છે. દલાલો ફૂલો વેચવા માટે 10 ટકા લે છે. ગુલાબ સિવાય, ગલગોટાના ભાવ પણ તળીયે છે, તેમ ગુલગોટાની ખેતી કરતા ખેડૂતે કહ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, તે પણ ફ્રીમાં વહેંચવામાં આવે છે, જો કે, હજી સુધી તેને ઘાસચારામાં ફેરવાયા નથી.