Site icon Revoi.in

નવરાત્રીને લીધે ફુલ બજારમાં તેજી, ગુલાબનો ભાવ પ્રતિકિલોએ 300એ પહોંચ્યો

Social Share

અમદાવાદઃ થોડા દિવસ પહેલા એવી સ્થિતિ હતી કે, ફુલ બજારમાં વ્યાપક મંદી હતી. ફુલોના પુરતા ભાવ ન મળવાને કારણે ખેડુતો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. હવે નવરાત્રી મહોત્સવ આવતાંની સાથે સાથે ફૂલના ભાવમાં વધારો થયો છે. છેલ્લા આઠ દિવસમાં ફૂલોના ભાવમાં રૂ.100નો વધારો થયો છે. તહેવારો આવતાની સાથે ફૂલ માર્કેટમાં તેજી આવી છે. માર્કેટમાં ફૂલોની આવક ઓછી અને માગ વધુ હોવાના કારણે ભાવમાં એકાએક વધારો થયો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના મહાનગરોમાં ગત વર્ષે કોરોનાને કારણે ફૂલોમાં ઘરાકી સારી ન હતી, પરંતુ આ વર્ષે સરકારે છૂટછાટ આપતા ખેડૂતોએ ફૂલોના પાકનું વાવેતર વધારે કર્યું છે. ગત વર્ષની સરખામણીમાં 300થી 400 ટકા પાકનું વાવેતર હતું, પરંતુ ભારે વરસાદને લીધે ફુલોનું વાવેતર ધોવાઈ ગયું અને ઉત્પાદનમાં ઘટાડો થયો હતો. જોકે ફૂલ બજારના વેપારીઓ માને છે કે અન્ય કોઈ લોકો માટે આ વખતનો વરસાદ ભલે આફત સમાન બન્યો હોય પણ તેમના માટે વરસાદ સુખરૂપ સાબિત થયો છે.

અમદાવાદના જમાલપુર હોલસેલ બજારમાં ગુલાબ રૂ.250થી 300 કિલો, ગલગોટા રૂ.50થી 70, સેવંતી રૂ. 200 કિલો, જ્યારે હઝારીગલનો 20 કિલોના રૂ. 600થી 1000નો ભાવ જોવા મળ્યો છે. નવરાત્રી પૂર્વે જ ફૂલોના ભાવમાં વધારો થતાં ફૂલ બજારમાં તો તેજીનો માહોલ છે, પરંતુ ફૂલના છૂટક વેપારીઓ ફૂલની આવક ન હોવાનું જણાવીને ગ્રાહક પાસેથી 4થી 5 ગણો વધારે ભાવ લઈ રહ્યા છે.