અમદાવાદઃ શહેરમાં બે વર્ષ બાદ રિવરફ્ન્ટ ખાતે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ‘ફ્લાવર શો-2023’ નું ઉદ્ઘાટન કર્યું હતું. આ વર્ષે અહિં G20 સમિટની થીમ પર ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે પણ કોરોનાના કેસ જે રીતે ચીન, અમેરિકા સહિતના દેશોમાં વધી રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને તકેદારીના પગલા આ આયોજન દરમિયાન ભરવામાં આવ્યા છે. જેમાં કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરવામાં આવશે.
ફ્લાવર શો અંગે અમદાવાદના મેયરે પણ જણાવ્યું હતુ કે, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 31 ડીસેમ્બર, 2022 થી 12 જાન્યુઆરી, 2023 દરમ્યાન સાબરમતી રિવર ફ્રન્ટ, ઇવેન્ટ ગ્રાઉન્ડ અને ફ્લાવર ગાર્ડન ખાતે “અમદાવાદ ફ્લાવર શૉ”નું આયોજન કરવામાં આવ્યું છે. ફ્લાવર શો દરમિયાન આવનાર વ્યક્તિ માસ્ક ફરજિયાત પહેરવાનું રહેશે. ફ્લાવર શોના કારણે અટલ બ્રિજના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં 31મી ડિસેમ્બરથી 12 જાન્યુઆરી 2023 સુધી અટલ બ્રિજ બપોરના 2 વાગ્યા સુધી ખુલ્લો રહેશે. જે પછી બ્રિજ પર મુલાકાતીઓને પ્રવેશ આપવામાં આવશે નહીં.
ફ્લાવર શોના મુખ્ય આકર્ષણો પર નજર કરીએ તો અહીં મહેંદીના છોડમાંથી ઓલિમ્પિકને લગતી અલગ-અલગ રમતોના સ્કલ્પચર ઉભા કરવામાં આવ્યા છે. ભારતમાં આગામી મહત્વની G20 સમિટ યોજાવાની છે તેને ધ્યાનમાં રાખીને અહીં કેટલાક આકર્ષણો ઉભા કરવામાં આવ્યા છે.ભારતમાં હાલ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જેના કારણે તે થીમ પર પણ અહીં વિવિધ સ્કલ્પચર ઉભા કરવામાં આવ્યા છે. આ સાથે અહીં સેલ્ફી પોઈન્ટ પણ ઉભો કરવામાં આવ્યો છે. જેમાં 200 ફૂટની વિશાળ ગ્રીન વૉલ ઉભી કરવામાં આવી છે. અમદાવાદમાં બે વર્ષ પછી યોજાઈ રહેલા ફ્લાવર શોમાં ફલાવર લવ ગેટ, ફલાવર ફોલ પોટ, ફલાવર ટ્રી તથા જુદા જુદા રંગના ફૂલોના સ્કલ્પચર પણ ઉભા કરવામાં આવ્યા છે. અહીં ફૂલોથી તૈયાર કરવામાં આવેલો આકર્ષક પ્રવેશ દ્વાર તથા સ્કાય ગાર્ડન પણ જોવા મળશે.
આ વર્ષે ફ્લાવર શો જોવા આવનારા મુલાકાતીઓની સંખ્યા વધુ હશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આવામાં ટિકીટનાં ઘસારાને ધ્યાને રાખી તમામ ઝોનલ સીવિક સેન્ટર પર ટિકીટ વેચાણની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેથી મુલાકાતીઓ ઘરની નજીકથી સહેલાઇથી ટિકીટ ખરીદી ફલાવર શોની મુલાકાત લઇ શકશે. ફ્લાવર શોમાં સંજીવની પર્વત સાથે હનુમાનજીની પ્રતિકૃતિ, ધનવંતરી ભગવાન અને ચરક ૠષિનાં સ્કલ્પચરો પણ જોવા મળશે. આ સાથે અલગ-અલગ વેરાયટીઓ જેવી કે ઓર્કિડ, લીલીયમ, પીટુનીયા, ડાયન્ગસ, એમરન્થમ લીલી, કેલાલીલી જેવા 10 લાખથી વધુ રોપા દ્વારા તૈયાર કરાયેલ ફુલો-છોડની પ્રદર્શનીમાં જોવા મળશે.
અહીં આવનારા પ્રકૃતિ પ્રેમીઓ માટે છોડના વેચાણ માટે ખાનગી નર્સરીના 7 સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા છે. આ સિવાય જંતુનાશક દવા બિયારણ ખાતર અને ગાર્ડનના ઓજારો તેમજ અન્ય ચીજ વસ્તુના વેચાણ માટેના કુલ 26 સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા આવ્યા છે. અહીં રિફ્રેશમેન્ટ માટે ખાણી-પીણીને લગતા ફૂડ કોર્ટની સાથે વધુ 17 ફૂડ સ્ટોલ્સ પણ ઉભા કરવામાં આવ્યા છે. જે રીતે કોરોનાના કેસ ફરી એકવાર ચિંતા ઉભી કરી રહ્યા છે તે માટે અહીં મોટી સંખ્યામાં લોકો એકઠા થાય અને વાયરસ ફેલાય નહીં તે માટે અહીં આવનારા મુલાકાતીઓએ ફરજિયાત માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવો પડશે.