કચ્છના બન્ની વિસ્તારમાં ગોરેવાલી ગામે ગોદામમાં આગ લાગતા લાખો રૂપિયાનો ઘાસચારો બળીને ખાક
ભુજઃ તાલુકાના બન્ની વિસ્તારમાં આવેલા ગોરેવાલી ગામમાં વન વિભાગ હસ્તકના ઘાસના ગોદામમાં એકાએક ભીષણ આગ ફાટી નિકળી હતી. મધરાતે લાગેલી આગ બીજા દિવસે બપોર સુધી કાબુમાં આવી નહતી. આગમાં એક લાખ કિલો ઘાસ બળીને ખાક થયુ હતું.
ભૂજ તાલુકાના બન્ની વિસ્તારમાં આવેલા ગોરેવાલી ગામ નજીક ભીષણ આગ લાહી હતી. ધોરડોથી 6 કિલોમીટર દૂર સફેદ રણ તરફ જતા માર્ગ પર આવેલા ગોડાઉનમાં વન વિભાગ હસ્તકના એક લાખ કિલોગ્રામથી વધુના ઘાસચારાના જથ્થામાં વિકરાળ આગ ફાટી નીકળી હતી. રાત્રિના 12 વાગ્યાથી કોઈ કારણોસર ભભૂકેલી આગ સવારના 11 વાગ્યા સુધી યથાવત રહેવા પામી છે. ભુજ ફાયર વિભાગ અને વન વિભાગના ટેન્કરો દ્વારા આગ ઉપર સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. પ્રાથમિક તબક્કે આગથી લાખો રૂપિયાનો ઘાસનો જથ્થો સળગી ગયો હતો.
જિલ્લાના વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, બન્નીના ગોરેવાલી ગામના વન વિભાગના ઘાસના ગોદામમાં આગની ઘટના રાત્રિના 12 વાગ્યા આસપાસ બની હતી. 1 લાખ 9 હજાર કિલો જેટલા ઘાસચારાનાં જથ્થામાં આ આગ ફેલાઈ છે. આગને કાબુમાં લેવા માટે ફાયર વિભાગના ફાયર ફાયટર અને વન વિભાગના પાણીના ટેન્કરો તેમજ જેસીબી મશીન સહિતની સાધન સામગ્રી કામે લાગી છે. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ તપાસ બાદ ખ્યાલ આવશે. પ્રાથમિક તબક્કે આગ છેલ્લા ત્રણ વર્ષથી પડતર પડેલા ઘાસચારામાં ભારે ગરમીના કારણે અથવા ઘર્ષણ થતા આગ લાગી હોય એવી સંભાવના છે. ગોડાઉન સ્થળે સતત ચોકીદાર ફરજ પર હાજર રહે છે. આકસ્મિક રીતે લાગેલી આગનું કારણ તપાસ બાદ જાણવા મળશે.