- ડાંગના આદિવાસીઓ વિશેની ટિપણી રાજભાને ભારે પડી,
- વિડિયો વાયરલ થયા બાદ આદિવાસીઓએ કર્યો વિરોધ,
- જાહેરમાં માફી માગવાની કરી માગ
અમદાવાદઃ લોક કલાકારો હોય કે ફિલ્મી કલાકારો અથવા તો કોઈપણ જાહેર જીવન સાથે જોડાયેલી વ્યક્તિ હોય તેમણે બોલતી વખતે ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે. ઘણીવાર કોઈ વ્યક્તિ કે સમાજ વિશે બોલાયેલું વાક્યથી વિવાદ ઊભો થયો હોય છે. લોકસાહિત્યકાર રાજભા ગઢવીની વિવાદાસ્પદ ટિપ્પણી સામે આદિવાસી સમાજના લોકોએ વિરોધ કર્યો છે. વાઈરલ વીડિયોમાં રાજભા ગઢવી લોકડાયરામાં બોલે છે કે ગુજરાતના ડાંગ-આહવાનાં જંગલોમાં આદિવાસીઓ કેટલાયને લૂંટી લે અને કપડાં પણ રહેવા ન દે. ડાંગ જિલ્લામાં આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને લઈને આદિવાસી સમાજ અને આહવા ડાંગના લોકોમાં ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. દરમિયાન વલસાડના સાંસદ અને લોકસભાના દંડક ધવલ પટેલે સાહિત્યકાર રાજભા ગઢવી જાહેરમાં સમસ્ત આદિવાસી સમાજ અને આહવા ડાંગ ના લોકોની જાહેરમાં માફી માંગે એવી માગ કરી છે.
સૌરાષ્ટ્રમાં યોજાયેલા એક લોકડાયરામાં સાહિત્યકાર રાજભા ગઠવીએ જાહેર જનતાને ડાંગ વિશે ખોટી વાત કરતાં ડાંગના સ્થાનિક લોકોમાં રાજભા ગઢવી સામે રોષ ફેલાયો છે. લોકસભાના દંડક અને વલસાડ ડાંગ લોકસભા બેઠકના સાંસદ ધવલ પટેલે સાહિત્યકાર રાજભા ગઠવીએ લોકડાયરમાં કરેલી વાતને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી. સાથે રાજભા ગઢવી વહેલી તકે જાહેરમાં કે સોશ્યલ મીડિયાના માધ્યમથી આદિવાસી સમાજ અને આહવા ડાંગમાં રહેતા લોકોની માફી માંગે નહીંતર રાજભા ગઠવી વિરુદ્ધ વિરોધ ચાલુ રહેશે જેવી ચીમકી આપી હતી.
વાઈરલ વીડિયોમાં રાજભા ગઠવીએ આદિવાસીઓ સામે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીમાં કહ્યું હતું કે, ભારતના બિહાર, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ રાજ્યનાં અમુક જંગલોમાં રાત્રે તમને અધિકારીઓ કહી દે કે આ જંગલમાંથી પસાર ન થતાં, ફરીને જાવ, આ જંગલમાંથી પસાર ન થવું, કારણ કે ત્યાં તમને લૂંટી લેશે. ગુજરાતમાં ડાંગ-આહવાનાં જંગલોમાં કેટલાયને લૂંટી લે, કપડાં પણ ન રહેવા દે. આ ગુજરાતની વાત છે, પણ મને ગૌરવ થાય છે કે આખી દુનિયામાં એક જ ગાંડી ગીર એવી છે કે રાત્રે દોઢ વાગે પણ તમે ભૂલા પડો તો નેહડાવાળા તમને જમાડવા માટે લઈ જાય આવી વાત સાહિત્યકાર રાજભા ગઠવીએ કરી હતી.
રાજભાની આવી ટિપ્પણીને લઇને વલસાડ જિલ્લાને અડીને આવેલા આહવા ડાંગના લોકો અને સમસ્ત આદિવાસી સમાજની લાગણી દુભાઈ હતી. જેને લઈને વલસાડ ડાંગ સંસાદ અને લોકસભાના દંડક ધવલ પટેલે પ્રતિક્રિયા આપતા રાજભાએ સૌરાષ્ટ્રમાં યોજાયેલા એક ડાયરા દરમિયાન આહવા ડાંગ વિસ્તારની કરેલી ખોટી વાતો ને લઈને આદિવાસી સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.