1. Home
  2. ગુજરાતી
  3. “જેનો શોખ હોય તેને બિઝનેસ બનાવો, તો થાક નહીં લાગે અને કામ એ કામ નહી લાગે”: ડૉ. જગત શાહ

“જેનો શોખ હોય તેને બિઝનેસ બનાવો, તો થાક નહીં લાગે અને કામ એ કામ નહી લાગે”: ડૉ. જગત શાહ

0
Social Share

કર્મના સિદ્ધાંતનું પાલન કરો, ફળ વહેલા નહીં તો મોડા પણ મળશે જરૂર: ડૉ.જગત શાહ

અમદાવાદ: સફળ વ્યક્તિ લાખો લોકોનો આદર્શ હોઈ શકે પરંતુ સફળ વ્યક્તિએ સફળ બનવા માટે જે મહેનત કરી છે તેના વિશે કેટલા લોકો જાણતા હોય છે, માત્ર ગણતરી ભર્યા લોકો.

આજના સમયમાં કલાકારો અને આર્ટિસ્ટ લોકો સિવાય પણ ઘણા એવા માણસો છે જેમણે પોતાનું નસીબ જાતે લખ્યું છે તેવું કહી શકાય. આજે અમે એવા માણસનું ઈન્ટરવ્યુ લીધુ જે લાખો લોકો માટે પ્રેરણાદાયક બની શકે તેમ છે અને તેમના જીવનની સફળતા પણ કોઈ મોટા કલાકારથી ઓછી નથી.

અમે વાત કરીશું ડૉ. જગત શાહની જેમનો પહેલેથી જ સિદ્ધાંત હતો કે “જેનો શોખ હોય તેને બિઝનેસ બનાવો, તો થાક નહીં લાગે અને કામ એ કામ નહી લાગે” અને આ જ સિદ્ધાંતે તેમની સફળતાનો રસ્તો બનાવ્યો.

ડૉ. જગત શાહને પહેલેથી જ ટ્રાવેલિંગનો શોખ હતો અને તેથી તેમણે તે જ વિષય પર ભણવાનું નકકી કર્યુ જેમાં તેઓ ફોરેન ટ્રાવેલિંગ કરી શકે અને પોતાની મનગમતી લાઈફ પણ જીવી શકે. જગત શાહે પોતાના સિદ્ધાંતનું પાલન કર્યુ અને તે જ વાત તેમને સફળતાની તરફ લઈ ગઈ.

જો કે પોતાના જીવન દરમિયાન ડૉ. જગત શાહએ વિશ્વના 85 દેશોમાં ટ્રાવેલિંગ કર્યુ છે જેમાં તેઓએ કેનેડાના મેનિટોબામાં ટ્રેડ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ કમિશનર તરીકે કામ કર્યુ છે અને અમેરિકાના કેટલાક પ્રોજેક્ટસ પર પણ કામ કર્યુ છે.

ડૉ. જગત શાહએ અફ્ઘાનિસ્તાનમાં પણ કામ કર્યુ છે જ્યાં તેઓએ પિસ્તા, બદામ, અંજીર હેન્ડિક્રાફ્ટસના વેપારીઓને એક્સપોર્ટ માટે તૈયાર કર્યા છે. આ દરમિયાન તેઓએ ત્યાંની લોકલ ભાષા પસ્તૂન પણ શીખી છે. અફ્ઘાનિસ્તાનમાં કામ કર્યાનો અનુભવ પણ તેમણે જણાવ્યો જેમાં કહ્યું કે ત્યાંના પઠાણી લોકોને હિન્દી પણ આવડતી હતી તેથી ખાસ તક્લીફ પડતી ન હતી અને તેનું કારણ છે તે ભૂતકાળમાં અફ્ઘાનિસ્તાનથી પઠાણી લોકો ભારતમાં વેપાર કરવા માટે આવતા હતા.

પોતાની કારકિર્દી વિશે જણાવતા તે પણ જાણવા મળ્યું કે ભારત અને અમેરિકામાં મેન્ટર ઓફ રોડ તરીકે પણ કામ કર્યું છે અને 20 દેશોમાં કુલ 7 લાખ કિલોમીટર કરતા વધારે ડ્રાઈવ કર્યુ છે જે બિઝનેસ ડ્રાઈવિંગમાં વર્લ્ડ રેકોર્ડ છે.  આ દરમિયાન તેમણે નવી યુવા પેઢી, મહિલા દ્વારા સંચાલીત બિઝનેસ, ભારતીય પ્રવાસીઓને અને નાના-મોટા બિઝનેસને (Small and medium sized enterprises) સલાહ સૂચન કર્યુ છે.

દેશ વિદેશમાં સંપુર્ણ નિષ્ઠાથી તો કામ કર્યું જ છે પરંતુ તેમણે ભારતમાં પણ તે જ રીતે કામ કર્યું છે. ડૉ. જગત શાહએ જણાવ્યું કે તેઓએ કેન્દ્ર સરકાર સાથે પણ ઘણું કામ કર્યું છે પરંતુ તેઓ કામ પ્રત્યે કોઈ ગેરવર્તન સહન કરતા નહી, તેથી તેઓ કામ હાથમાં લેતા પહેલા સરકારી ઓફિસર વિશે જાણી લેતા અને યોગ્ય લાગે તો જ કામ હાથમાં લેતા હતા.

દેશ અને વિદેશમાં વર્ષો કામ કર્યા બાદ તેમણે તે વાત પર પણ પ્રકાશ પાડ્યો અને જણાવ્યું કે વિદેશમાં અને ભારતમાં કામ કરવાની પદ્ધતિ બિલકુલ અલગ છે અને વિદેશમાં કામ આપણા કરતા 10 ગણુ સરળ રીતે કામ થાય છે અને તે લોકો વાતને આસાનીથી સાંભળે છે અને સમજી જાય છે.

ડૉ. જગત શાહને વાંચવાનો પણ પહેલેથી જ શોક હતો અને તે બાબતે પણ તેમણે જણાવ્યું કે તેઓએ ઘણી પુસ્તકો વાંચી છે અને ઘણા નેતાઓ વિશે જાણ્યુ છે. તેઓએ કાર્લ માર્ક્સ, માર્ટિન લ્યૂથર કિંગ અને ગાંધીજી પર છપાયેલી પુસ્તકો પણ વાંચી છે અને તેમાંથી ઘણું બધુ શીખવા મળ્યું છે.

પોતાના જીવનમાં મળેલી સફળતા અને તેના વિશે તેઓનું માનવું છે કે તેઓએ હંમેશા કર્મના સિદ્ધાંતનું પાલન કર્યું છે. તેઓએ કહ્યું કે તમામ લોકોએ કર્મના સિદ્ધાંતનું પાલન કરવું જોઈએ અને તેમાં ક્યારેક ફળ વહેલા મળે તો ક્યારે ફળ મોડું મળે પણ સીધી દિશા અને સારા ઉદેશ્યથી ચાલવુ જરૂરી છે.

ડૉ. જગત શાહે કહ્યું આજની પેઢીની વિચારધારા લઈને પણ મહત્વની વાત કહી છે જેમાં તેઓએ જણાવ્યું કે આજકાલની પેઢીને છોકરાઓને પરિણામ ખૂબ જલ્દી જોઈએ છે પણ તમામ વસ્તુના મળવા માટેનો એક સમય હોય અને તેના માટે સહનશીલતા આવશ્યક છે.

નવી યુવા પેઢીએ તે કામ કરવું જોઈએ જેનો તેમને શોખ હોય. શોખ હોય તે કામ કરશો અને તેમાં કરિઅર બનાવશો તો મજા આવશે, થાક નહીં લાગે અને કામ એ કામ પણ નહી લાગે. આવુ ડૉ જગત શાહે કહ્યું.

ડૉ જગત શાહએ આ બાબતે યુવાઓને ચેતન ભગનું ઉદાહરણ પણ આપ્યું અને કહ્યું કે બેન્કમાં વર્ષો સુધી કામ કરનારા ચેતન ભગતને જાણ થઈ કે તેને આવડત તો લખવામાં છે અને તેમાં તેણે એટલું કમાઈ લીધુ જેટલુ તે બેન્કમાં રહીને ન કમાઈ શક્યા.

ડૉ. જગત શાહએ પોતાના જીવનમાં ઘણી વાતો શીખી અને તેમણે પોતાના જીવનની સફળતા માટે પોતાના પરિવારનો પણ આદર કર્યો. તેમણે કહ્યું કે તેમના જીવનમાં ડગલે અને પગલે તેમની પત્નીએ તેમને ખૂબ સાથ સહકાર આપ્યો હતો. ડૉ. જગત શાહએ તેમની પત્નીને આપેલા વચન પ્રમાણે હાલ તેમના તમામ કામ તેમના માણસોને સોંપવામાં આવ્યા છે અને બસ થોડુ વધારે ધ્યાન આપે છે પણ જગત શાહ અત્યારે દેશસેવામાં જોડાયેલા છે.

વધારે ઉમેરતા ડૉ. જગત શાહએ જણાવ્યું કે તેઓ હાલના સમયમાં ગામડાઓને સ્માર્ટ વિલેજ બનાવવા, નવી યુવા પેઢીને માર્ગદર્શન કરવું તેવા કામ સાથે સંકળાયેલા છે અને દેશસેવા કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ગામડાઓના વિકાસ માટે ભારતીય અમેરિકન દ્વારા અત્યાર સુધીમાં 62 જેટલા ગામડાઓને એડોપ્ટ કરવામાં આવ્યા છે જેમાં 19 રાજ્યના અલગ અલગ ગામડાઓનો સમાવેશ થાય છે.  હાલ આ ગામડાઓના વિકાસ પર કામ પણ શરૂ થઈ ચુક્યું છે.

તે વાતમાં કોઈ સંદેહ નથી કે ડૉ. જગત શાહે પોતાના જીવનમાં જે ધાર્યુ તેને મેળવ્યું. જગત શાહે પોતાની બુક પણ લખી છે જે તમામ વાંચકો માટે પ્રેરણાદાયક બની શકે છે.

આ પણ વાંચો…..

https://www.revoi.in/mitesh-solanki-scientist-project-manager-and-now-teacher/

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code