Site icon Revoi.in

ગુજરાતમાં કોરોનાને પગલે તકેદારીના ભાગરૂપે એક લાખ બેડ સહિતની જરૂરી વ્યવસ્થા ઉભી કરાઈઃ રાજ્યપાલ

Social Share

અમદાવાદઃ  કોરોનાની લહેર ધીમી પડી છે પરંતુ શાંત નથી થઈ,લોકો માસ્ક પહેરવા અને સોશીયલ ડિસ્ટન્સ જાળવવા સહિતની તકેદારીઓ પૂર્વવત પાળે એવો અનુરોધ કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે,રાજ્ય સરકારે પહેલા ફેઝમાં સમુચિત સારવાર માટે 40 હજાર બેડની વ્યવસ્થા કરી હતી. હાલમાં એક લાખ બેડ સહિત ઓકસીજન પ્લાન્ટ, દવાખાનાઓ અને માનવ સંપદાની જરૂરી વ્યવસ્થા કરી છે. તકેદારીરૂપે બાળકોની કોરોનાથી સુરક્ષા માટે જરૂરી તાલીમ આપવામાં આવી છે.

તેમણે જણાવ્યું કે, લોકોએ કોરોના એક ઘાતક અને અજાણી બીમારી રૂપે શરૂ થયો ત્યારે પ્રધાનમંત્રીના દિશા નિર્દેશોનું પાલન કર્યું હતું. તબીબો, નર્સો, કોરોના ટેસ્ટ કરનારાઓ,અને વાહન ચાલકો એ જે રીતે આ કટોકટીમાં માનવ ધર્મનું પાલન કર્યું એ અજોડ છે.

તેમણે જણાવ્યું કે, સંતો, સમાજસેવીઓ,ધાર્મિક અને સામાજિક તથા સેવા સંસ્થાઓ અને નાગરિક સંગઠનોની સાથે ઉદ્યોગ ગૃહોએ પણ કોરોના સામેની લડાઇમાં સાધુવાદને પાત્ર યોગદાન આપ્યું છે.એમનું ભામાશા કર્તવ્ય ધન્યવાદને પાત્ર છે.

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ડભાસા ગામ નજીક આવેલી ક્રોસ રોડ હોસ્પિટલના પરિસરમાં રૂ.૭૦ લાખના ખર્ચે સ્થાપિત કરવામાં આવેલા વાતાવરણમાંથી હવા શોષીને પ્રાણવાયુ ઉત્પન્ન કરતાં પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું.

રાજ્યપાલજીએ વધુમાં કહ્યું કે,યુવા અન સ્ટોપેબલ સંસ્થાને સાથે રાખીને રાજભવન દ્વારા લોક સહયોગ થી એક લાખ પાયાના કોરોના વોરિયરની ઓળખ કરીને તેમને જીવન જરૂરી ચીજવસ્તુઓની કીટ આપવામાં આવી છે. 150 ઓકસીજન કન્સનટ્રેટર, પાંચ ઓકસીજન પ્લાન્ટ જેવી વ્યવસ્થાઓ સરકાર સંચાલિત હોસ્પિટલોમાં કરવામાં આવી છે.