Site icon Revoi.in

ભારે વરસાદને પગલે દક્ષિણ ગુજરાતમાં નદીઓએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ

Social Share

અમદાવાદઃ રાજ્યમાં છોટા ઉદેપુર, નર્મદા, સુરતમાં રેડ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની આગાહી છે. જ્યારે વલસાડ, નવસારી, ડાંગ, તાપી, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં સવારથી જ જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને પગલે ઓલણ નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. જ્યારે અંબિકા અને પૂર્ણાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં લોકોની ચિંતા વધી છે.

દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં સવારથી જ જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. તાપી, નવસારી, સુરત ગ્રામ્ય અને ડાંગ સહિતના જિલ્લાઓમાં વરસાદ અને ઉપરવાસમાંથી નદીઓમાં આવેલા પાણીએ પૂર જેવી સ્થિતીનું નિર્માણ કર્યું છે. તાપીના વ્યાર, સોનગઢ, ઉચ્છલમાં સવારથી ધોધમાર વરસાદ ખાબક્યો છે. વ્યારાના પેરવડ ગામે નદીના પાણી ઘરોમાં ઘુસી ગયા છે, તો નવસારીમાં પણ અંબિકા નદી ભયજનક સપાટી વટાવી 32 ફૂટે વહી રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદની અસર પૂર્ણા નદીમાં પણ જોવા મળી છે. પૂર્ણા નદીનું જળસ્તર 32 ફૂટે પહોંચ્યું છે. મહુવાની ઓલણ નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી છે. આ તરફ ડાંગ જિલ્લામાં પૂર્ણ નદી ભયજનક સપાટી વટાવતાં વહીવટી તંત્ર એલર્ટ થયું છે.

ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઓલણ નદીમાં પુરની સ્થિતિ સર્જાઇ છે. મહુવા તાલુકાથી પસાર થતી ઓલણમાં ધસમસતા પાણી જોવા મળી રહ્યા છે. મહુવાથી અનાવલને જોડતો સ્ટેટ હાઇવે બંધ કરાયો છે. વલવાડા ખાતે આવેલ ઓલણ નદીનો બ્રિજ બંધ કરાયો છે. અનાવલ તરફ જવા માટે 35થી 40 કિલોમીટરનો ચકરાવો લગાવવો પડશે. ઓલણ નદીના કાંઠા વિસ્તારના ગામને વહીવટી તંત્ર દ્વારા સલામત સ્થળે ખસી જવા સાવચેત કરાયા છે. નદીના પાણી સામ્બા બોરીયાનો લો લેવલ બ્રિજ પર ફરી વળ્યા છે. લો લેવલ બ્રિજ પરથી 10 ફુટ પાણી વહી રહ્યા છે.