બેંગ્લોરઃ તેલંગાણામાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે. એક તરફ રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે રેલીઓ, જાહેર સભાઓ અને રોડ-શોનો આશરો લઈ રહ્યા છે, તો બીજી તરફ મતદારોને રીઝવવા માટે પૈસા અને દારૂના ઉપયોગનો મુદ્દો પણ પ્રકાશમાં આવી રહ્યો છે. 30 નવેમ્બરે યોજાનારી તેલંગાણા વિધાનસભાની ચૂંટણી માટે આદર્શ આચાર સંહિતા અમલમાં આવી ત્યારથી તેલંગાણા પોલીસે અત્યાર સુધીમાં રૂ. 577 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી છે. ચૂંટણી અધિકારીઓએ જણાવ્યું હતું કે, જપ્ત કરવામાં આવેલી રકમમાં રોકડ, દારૂ, કિંમતી ધાતુઓ, દવાઓ અને વિવિધ વસ્તુઓનો સમાવેશ થાય છે.
તેલંગાણા ચૂંટણી અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, તેલંગાણા પોલીસે અત્યાર સુધીમાં 200,00,39,979 રૂપિયાની રોકડ, 88,81,85,407 રૂપિયાની કિંમતનો દારૂ, 32,64,39,084 રૂપિયાની કિંમતનો ગાંજો, અન્ય દવાઓ અને કિંમતી ધાતુઓ જપ્ત કરવામાં આવી હતી. સોના, ચાંદી, હીરા અને લેપટોપ, વાહન, કૂકર, સાડી વગેરે જેવી વિવિધ મફત વસ્તુઓની અંદાજિત કિંમત આશરે રૂ. 2,55,85,59,776 હોવાનું કહેવાય છે. એટલું જ નહીં, છેલ્લા 24 કલાકમાં જ આ પ્રકારની અંદાજિત કિંમત 5,51,75,255 રૂપિયાની જપ્ત કરવામાં આવી છે.
તાજેતરમાં મતદારોમાં મફત સામાનની વહેંચણીને લઈને કોંગ્રેસ અને બીઆરએસ કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. નાગરકુર્નૂલ જિલ્લાના અચમપેટ મતવિસ્તારમાં શનિવારે રાત્રે (11 નવેમ્બર) BRS અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે આ મોટી અથડામણ થઈ હતી. આમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. અથડામણ ત્યારે શરૂ થઈ જ્યારે બીઆરએસ ઉમેદવાર ગુવવુલા બાલારાજુની કાર કોંગ્રેસના કાર્યકરોએ અટકાવી હતી. કોંગ્રેસના કાર્યકરોએ કહ્યું કે બીઆરએસ નેતા કારમાં રોકડ લઈને જતા હતા, તેથી તેઓ વાહનની તપાસ કરવા માંગતા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, તેલંગાણા વિધાનસભાની ચૂંટણીને લઈને વિવિધ રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.