નીતિ આયોગઃ કોરોના મહામારીને પગલે હજુ આગામી વર્ષ સુધી લોકોએ પહેરવુ પડશે માસ્ક
દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો કોરોના મહામારી સામે લાંબી લડાઈ લડી રહ્યાં છે. કોરોના સામે રસી ઉપરાંત માસ્ક અને સેનિટાઝર રક્ષણ આપે છે. છેલ્લા દોઢેક વર્ષથી લોકો માસ્ક પહેરીને કોરોના સામે રક્ષણ મેળવી રહ્યાં છે. દરમિયાન નીતિ આયોગના મતે આગામી વર્ષ સુધી લોકોએ માસ્ક પહેરવું પડશે. એટલું જ નહીં કોરોનાના પ્રોટોકોલનું પાલન પણ ચુસ્ત પણે કરવાનું રહેશે.
નીતિ આયોગના સભ્ય ડો. વીકે પૉલે જણાવ્યું હતું કે, આગામી વર્ષે પણ ભારતમાં લોકોએ માસ્ક પહેરીને જ રહેવું પડશે. ભારતમાં હજુ ત્રીજી લહેરની સંભાવના હજુ ટળી નથી અને આગામી સમય જોખમી છે. આગામી ચાર-પાંચ મહિનામાં વેક્સિન દ્વારા હર્ડ ઈમ્યુનિટી બની શકે છે. આપણે મહામારીથી બચવા માટે ખુદને તૈયાર કરવા પડશે અને મને લાગે છે કે આપણે એક સાથે આવીશું તો શક્ય બનશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના કાળમાં હવે માસ્ક જીવનનો એક ભાગ બની ગયો છે પરંતુ હાલ દેશમાં કોરોનાના કેસ ઘટતા હવે લોકો માસ્ક પહેરવાનું ટાળી રહ્યાં છે. જો કે, કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકાર દ્વારા પ્રજાને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા માટે સતત અપીલ કરવામાં આવે છે. બીજી તરફ કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને હોસ્પિટલમાં બેડ તથા ઓક્સિજન સહિતની મેડિકલ સુવિધાનું આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે. ભારતમાં કોરોના રસીકરણ અભિયાનને વેગવંતુ બનાવવામાં આવ્યું છે. તેમજ આગામી ડિસેમ્બર પહેલા દેશના તમામ નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ આપીને સુરક્ષિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.