દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણને જોતા સુપ્રીમ કોર્ટે તમામ અદાલતોને જ્યાં પણ શક્ય હોય ત્યાં વર્ચ્યુઅલ રીતે કામ કરવાની સલાહ આપી છે. વકીલો અને કેસ સાથે જોડાયેલા લોકોને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજર થવા દેવા જોઈએ. ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાએ આ માહિતી ત્યારે આપી જ્યારે કેટલાક વરિષ્ઠ વકીલોએ તેમનો સંપર્ક કરીને તમામ કોર્ટમાં સંપૂર્ણ રીતે ઓનલાઈન મોડમાં કામ કરવા વિનંતી કરી હતી.
સોલિસિટર જનરલ તુષાર મહેતા, સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ કપિલ સિબ્બલ અને વરિષ્ઠ વકીલ ગોપાલ શંકરનારાયણ મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી બેંચ સમક્ષ હાજર થયા હતા. દિલ્હી એનસીઆરમાં પ્રદૂષણને જોતા તેમણે તમામ કોર્ટનું કામ ઓનલાઈન મોડમાં કરવા વિનંતી કરી હતી. તેના પર ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાએ કહ્યું કે, તેમણે સુપ્રીમ કોર્ટના તમામ જજોને શક્ય તેટલી વર્ચ્યુઅલ સુનાવણી કરવા કહ્યું છે.
સોલિસિટર જનરલે કહ્યું કે આ સંદેશ તમામ કોર્ટ સુધી પહોંચવો જોઈએ. તેના પર ચીફ જસ્ટિસે કહ્યું કે આ પહેલા પણ થઈ ચૂક્યું છે. તેમણે કહ્યું કે અદાલતો હાઇબ્રિડ મોડમાં કામ કરી રહી છે. તેથી, જે વકીલો કોર્ટ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાવા માગે છે તેઓ આમ કરી શકે છે. મુખ્ય ન્યાયાધીશે ખાતરી આપી હતી કે વકીલ કોર્ટમાં હાજર ન હોવાને કારણે કોઈ કેસ રદ કરવામાં આવશે નહીં.
સોમવારે જ જસ્ટિસ અભય ઓકાની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટની બેન્ચે પ્રદૂષણનો સામનો કરવા માટે દિલ્હી અને NCRના તમામ શહેરોમાં GRAP 4 લાગુ કરવા કહ્યું હતું. મંગળવારે વરિષ્ઠ વકીલ ગોપાલ શંકરનારાયણે ચીફ જસ્ટિસને કહ્યું હતું કે GRAP 4ની જોગવાઈઓ અદાલતોને લાગુ પડતી નથી. તેથી ચીફ જસ્ટિસે આ અંગે કંઈક કરવું જોઈએ.