અમદાવાદઃ રાજ્યમાં આગામી સમયમાં સંભવિત હીટવેવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યસ્તરે આગોતરું આયોજન કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં માહિતી આપતા રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ જણાવ્યું હતું કે, ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા સંભવિત હીટવેવ સામે લડવાનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. હીટવેવ સામેની લડતમાં મહત્વપૂર્ણ એવા આઠ વિભાગોને સાંકળીને આ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, શ્રમ અને રોજગાર, પાણી પુરવઠા, શિક્ષણ, પ્રવાસન, ઉર્જા, પરિવહન, શહેરી વિકાસ અને પંચાયત વિભાગનો સાંકળીને વિગતવાર એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. હીટ વેવની પરિસ્થિતિમાં નાગરિકોએ શું કરવું અને શું ન કરવું (Dos and Don’ts) ની માર્ગદર્શિકા અને એક્શન પ્લાન અંગેની વિગતો રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી મારફતે તમામ 33 જિલ્લાઓના વહીવટી તંત્રને પૂરી પાડવામાં આવી છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે હીટવેવ સામે નાગરિકોને સુરક્ષા પૂરી પાડવા માટે વિવિધ વિભાગોને અપાયેલી માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન થાય તેમજ એક્શન પ્લાનનો પૂર્ણતઃ અમલ થાય તેવી તાકીદ કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘ઝિરો કેઝ્યુઅલ્ટી એપ્રોચ’ સાથે માનવજીવન અને પશુધનની સંપૂર્ણ રક્ષા થાય તેવા અભિગમ સાથે એક્શન પ્લાનનો અમલ કરવા અંગે સૂચનો કર્યા હતા.
ગુજરાતમાં ઉનાળાના આરંભ સાથે જ કાળઝાળ ગરમી પડી રહી છે. જૂન મહિના સુધી આકરી ગરમી પડવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.