Site icon Revoi.in

ડિજિટલ એરેસ્ટ કેસમાં થતા વધારાને પગલે ગૃહ મંત્રાલયે ઉચ્ચ સ્તરીય કમિટી રચી

Social Share

નવી દિલ્હીઃ દેશમાં ડિજિટલ એરેસ્ટ કરીને છેતરપીંડી આચરવાના કેસમાં થઈ રહેલા વધારાને પગલે કેન્દ્રીય ગૃહ મંત્રાલય એક્શનમાં આવ્યું છે. મંત્રાલયે આ અંગે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. આ કમિટી ડિજિટલ એરેસ્ટના કેસોની તપાસ કરતી સંબંધિત એજન્સી અથવા પોલીસની તપાસ પર નજર રાખશે. તાજેતરમાં જ વડાપ્રધાને મન કી બાતમાં ડિજિટલ એરેસ્ટ વિરુદ્ધ વાત કરી હતી. સ્પેશિયલ સેક્રેટરી ઈન્ટરનલ સિક્યોરિટી આ સમિતિના પ્રમુખ હશે. કમિટીને ગુનેગારો સામે તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ગૃહ મંત્રાલયના આંતરિક સુરક્ષા સચિવ દ્વારા સમિતિની દેખરેખ ચાલુ રહેશે. ગૃહ મંત્રાલયના સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર, જેને 14C તરીકે પણ ઓળખવામાં આવે છે, તેણે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની પોલીસનો સંપર્ક કર્યો છે અને તેમને સમિતિ વિશે માહિતી આપી છે.

આ વર્ષે અત્યાર સુધીમાં દેશભરમાં ડિજિટલ એરેસ્ટના 6,000 થી વધુ કેસ નોંધાયા છે. આમાં 14Cએ કૌભાંડના સંબંધમાં 6 લાખ મોબાઈલ નંબર બ્લોક કર્યા છે, જે લોકોને ડ્રગ્સ અને મની લોન્ડરિંગના કેસમાં ખોટી રીતે ફસાવીને નિશાન બનાવે છે. સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટરે પણ ઓછામાં ઓછી 709 મોબાઈલ એપ્લિકેશનને બ્લોક કરી દીધી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે સત્તાવાળાઓએ સાયબર ફ્રોડ સંબંધિત 3.25 લાખ નકલી બેંક ખાતાઓને ફ્રીઝ કરવાનો આદેશ પણ આપ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે (27 ઓક્ટોબર) તેમના ‘મન કી બાત’ના 115મા એપિસોડમાં દેશવાસીઓને ડિજિટલ ધરપકડ સામે ચેતવણી આપી હતી. તેમણે આ નવી છેતરપિંડીથી બચવા માટે ‘રોકો, વિચારો અને પગલાં લો’નો મંત્ર આપ્યો હતો. દરમિયાન, ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા 2024 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ડિજિટલ ધરપકડ અંગે જાહેર કરવામાં આવેલ ડેટા ખૂબ જ આઘાતજનક છે. આ આંકડાઓ અનુસાર, જાન્યુઆરીથી એપ્રિલ 2024 વચ્ચે ડિજિટલ અરેસ્ટને કારણે લોકોએ 120 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન કર્યું છે.