સુરતઃ ગુજરાતમાં નકલી ચલણી નોટો ફરતી હોવાની ફરિયાદો વધતી જાય છે. દરમિયાન સુરતમાં પણ નકલી નોટો ફરતી હોય તે અગે એક નાગરિકે શહેરની એસઓજીને બાતમી આપી હતી, પોલીસે ફરતી ફેક નોટોનું પગેરૂ શોધીને છેક ચેન્નાઈ પહોંચીને સ્થાનિક પોલીસની મદદ લઈને નકલી નોટો છાપવાનું કારખાંનું પકડી પાડ્યું હતું. પોલીસે આ મામલે નકલી નોટ છાપતા મુખ્ય આરોપીની ધરપકડ પણ કરી છે અને તેની પાસેથી 17 લાખ રૂપિયાની નકલી ભારતીય ચલણી નોટો ઝડપી પાડી છે. આ આરોપીએ અત્યાર સુધીમાં 2 કરોડ 12 લાખ 38 હજાર રૂપિયાની નકલી નોટો અલગ અલગ રાજ્યમાં મોકલી હોવાનો પણ ખુલાસો કર્યો હતો..
સુરતના અમરોલી પોલીસને જાગૃત નાગરિક દ્વારા માહિતી આપવામાં આવી હતી કે, શાંતિલાલ મેવાડા નામનો ઈસમ નકલી ચલણી નોટો માર્કેટમાં ફરતી કરી રહ્યો છે. તેથી આ સમગ્ર મામલે પોલીસ દ્વારા શાંતિલાલ મેવાડા, વિષ્ણુ મેવાડા નામના ઇસમોની ધરપકડ કરી હતી. ત્યારબાદ શાંતિલાલ અને વિષ્ણુને નકલી નોટ પૂરી પાડતો ઈસમ કે જે બેંગ્લોરમાં રહેતો હતો તેની પણ ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી હતી અને તેનું નામ માઈકલ હોવાનું સામે આવ્યું છે. દરમિયાન માઈકલ નામના આરોપીની સુરત પોલીસે પૂછપરછ કરી હતી અને તેમાં ધ્યાને આવ્યું હતું કે, માઈકલ શાંતિલાલ મેવાડાને નકલી નોટની સપ્લાય કરતો હતો. તે આ નકલી નોટો ચેન્નઈમાં રહેતા સૂર્યા સેલવા રાજ નામના શખસ પાસેથી મેળવતો હતો. તેથી SOGએ ચેન્નાઇ પોલીસને સાથે રાખીને બાતમીના આધારે 21 એપ્રિલના રોજ વહેલી સવારે આરોપી સૂર્યના ઘરે રેડ પાડી તેને પકડી પાડ્યો હતો અને આરોપીના ઘરેથી જ નકલી ભારતીય ચલણી નોટો છાપવાનું એક કારખાનું પણ મળી આવ્યું હતું. આરોપીના ઘરેથી પોલીસે 17 લાખ રૂપિયાની બનાવટી ચલણી નોટો જપ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત ત્રણ કલર પ્રિન્ટર, કટર મશીન, ત્રણ લેમિનેશન અને હિટિંગ મશીન, માર્કર સિક્યુરિટી થ્રેડ 70 નંગ અને 20 નંગ ચાઇના કાગળનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે.
સુરત પોલીસને આરોપી સૂર્યાની પૂછપરછ કરતા માહિતી મળી હતી કે, તે 2016-17માં શેર બજારમાં કામ કરતો હતો. ત્યારે નુકસાન થયું હતું અને શોર્ટકટમાં પૈસા કમાવવા માટે તેને આ રસ્તો અપનાવ્યો હતો. આરોપી દ્વારા થ્રીડી એનિમેશનનો કોર્સ પણ કરવામાં આવ્યો હતો અને તેના કારણે તેને નોટ બનાવવાનો વિચાર આવ્યો. ત્યારબાદ ઇન્ટરનેટના માધ્યમથી અલગ અલગ વિગતો સર્ચ કરીને નોટ બનાવનાની કળા તેને શીખી લીધી હતી. ત્યારબાદ આરોપીએ રાઈટ વે કેપિટલ નામની એક કંપની 2022માં સ્થાપી હતી અને ગ્રાહકો સાથે તે સ્ટેમ્પ પેપર પર એગ્રિમેન્ટ કરતો હતો તેનો કાગળ નકલી ચલણી નોટ બનાવવા માટે યોગ્ય લાગ્યો અને ત્યારબાદ 2022માં નોટ બનાવવાનું શરૂ કર્યું હતું.
પોલીસની તપાસમાં એવી વિગતો પણ મળી છે. કે, 2022ના ઓગસ્ટ મહિનામાં આરોપીએ નોટ બનાવવા માટે સાધન સામગ્રી ખરીદી હતી અને તેને પોતાના ઘરે જ નકલી નોટ છાપવાનું શરૂ કર્યું. સૌપ્રથમ તે નકલી નોટ છાપવામાં સફળ થયો હતો. આ દરમિયાન તેણે ઇન્ટરનેટના માધ્યમથી બિહાર રાજ્યનો એક વ્યક્તિને તેના સંપર્કમાં આવ્યો હતો. તેની પાસેથી નકલી નોટ બનાવવા માટે કોટન ચાઇના પેપર તેમજ સિક્યોરિટી થ્રેડ ઓનલાઈનથી મંગાવ્યા હતા. મહત્વની વાત કહી શકાય કે, આ નોટ છાપ્યા બાદ તેને તમિલનાડુમાં એક વ્યક્તિને 50,000 રૂપિયાની નકલી નોટો 15 હજાર રૂપિયાના ભાવે આપી હતી. આરોપી સૂર્યા દ્વારા નકલી ચલણી નોટો 10 રાજ્યોમાં અલગ અલગ લોકોને આપવામાં આવી છે અને 2,12,38,000ની નકલી નોટો તે અલગ અલગ વ્યક્તિને આપી ચૂક્યો છે.