રાજ્યમાં સચિવાલયના ઉચ્ચ અધિકારીઓની બદલીઓ બાદ હવે જિલ્લા કલેકટરો, ડીડીઓની સાગમટે બદલીઓ કરાશે
ગામધીનગરઃ રાજયમાં સચિવાલય કક્ષાએ ફેરફાર કર્યા બાદ હવે લાંબા સમયથી રાહ જોઇ રહેલા જિલ્લા કલેકટરો તથા જિલ્લા વિકાસ અધિકારીઓને પણ ટ્રાન્સફરના ઓર્ડર મળશે તે નક્કી છે. રાજ્યના મોટાભાગના કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓની સાગમટે બદલીઓ કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં અગ્ર સચિવથી લઈને ઉચ્ચ અધિકારીઓની બદલીઓ કરાયા બાદ હવે જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓની બદલીઓની લિસ્ટ તૈયાર થઈને મુખ્યપ્રધાનના ટેબલ પર પહોંચી ગયું છે. અને એકાદ દિવસમાં જ આ ઓર્ડર આવી જાય તેવી શકયતા છે. ઉપરના કક્ષાએ એડીશ્નલ ચીફ સેક્રેટરી ફિકસ થઇ ગયા છે અને ગાંધીનગરમાં મોટા ભાગની પોસ્ટ ભરાઇ ગઇ છે તેથી કલેકટરોને કે જિલ્લા વિકાસ અધિકારીઓને હજુ ફિલ્ડમાં જ રહેવુ પડશે.
ગુજરાત સરકારે તાજેતરમાં સચિવાલયમાં એડીશ્નલ ચીફ સેક્રેટરી કક્ષાના અધિકારીઓથી લઇને સચિવ કક્ષા સુધીના અધિકારીઓમાં મોટા ફેરફાર કર્યા હતા.અને અપેક્ષા મુજબ પંકજ કુમારને ગૃહ વિભાગમાં યથાવત રાખ્યા છે. જયારે તેમની પાસેનો મહેસુલનો હવાલો કમલ દાયાનીને સોંપાયો છે. આમ કમલ દાયાનીને ફરી એક વખત મુખ્યપ્રધાનની નજીક આવવાનો મોકો મળી ગયો છે તેમજ અમદાવાદમાં કોરોના સંક્રમણ સામે કામગીરી કરીને ગાંધીનગરમાં વાહ વાહ મેળવનારા અને અમદાવાદમાં ભાજપની ચૂંટાયેલી પાંખને આંખે ચડી જનારા એડીશ્નલ ચીફ સેક્રેટરી રાજીવ ગુપ્તાને હવે ફોરેસ્ટ અને પર્યાવરણ મંત્રાલયમાંથી ઉદ્યોગ અને માઇન્સમાં ખસેડાયા છે.
ગુજરાતમાં આગામી સમયમાં હવે જો બધુ બરાબર રહ્યુ તો વાઇબ્રન્ટ સમિટ યોજાય શકે છે અને તેમાં અત્યાર સુધી સીએમઓમાં એડીશ્નલ ચીફ સેક્રેટરી તરીકે હાલ કામ કરતા મનોજકુમાર દાસને મોટી જવાબદારી સોંપાતી હતી. જેઓને હવે તે સ્થાને યથાવત રાખીને બંદર અને ટ્રાન્સપોર્ટમાં વધારાનો ચાર્જ અપાયો છે પણ રાજીવ ગુપ્તાને ઉદ્યોગનમાં મુકાતા તેઓ વાઇબ્રન્ટમાં પણ કોરોના કામગીરી જેવી જ ધગજ દેખાડશે તેવા સંકેત છે. મહત્વનું એ છે કે અમદાવાદમાં કોરોના સામે વિધાનો કરીને વિવાદમાં સપડાઇ ગયેલા રાજકોટના પૂર્વ મ્યુનિ.કમિશ્નર વિજય નેહરા જે ગ્રામ્ય વિકાસમાં સચિવ હતા તેમને હવે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ખસેડાયા છે. આમ આઇટી ગુજરાત તેમના હવાલે થઇ ગયુ છે જ્યારે જયંતિ રવિના સ્થાને આરોગ્ય અગ્ર સચિવ તરીકે હવે સિનિયર અધિકારી મનોજ અગ્રવાલને જવાબદારી સોંપાઇ છે.
શાલીની અગ્રવાલ સહિતના આઇએએસ અધિકારીને પ્રમોશન પણ મળ્યુ છે અને તેઓ વડોદરાના કલેકટરમાંથી હવે આ જ શહેરના મ્યુનિસિપલ કમિશ્નર તરીકે કામ કરશે. એક સમયે અમદાવાદના કલેકટર તરીકે રહી ચુકેલા અને બાદમાં ગૃહ સચિવ નિવૃત થતાં તેમના સ્થાને એડીશ્નલ સેક્રેટરી તરીકે લો એન્ડ ઓર્ડર તરીકે નિયુકત થયેલા કે.કે.નિરાલાને હવે ગૃહમાંથી રૂખસદ અપાઇ છે અને તેમને મહિલા અને બાળ કલ્યાણ વિભાગમાં કમિશનર તથા સેક્રેટરી તરીકે નિયુકત કરાયા છે. જો કે તેમના આ સમયમાં તેમના બોસ તરીકે પંકજ કુમાર હતા. જેમને ગૃહમાં યથાવત રખાયા છે.