બાંગ્લાદેશમાં હિંસાને પગલે ભારતે પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી
નવી દિલ્હીઃ ભારતના વિદેશ મંત્રાલય (MEA)એ તેના તમામ નાગરિકોને આગામી આદેશ સુધી બાંગ્લાદેશની મુસાફરી ટાળવાની સલાહ આપી છે. બાંગ્લાદેશમાં ચાલી રહેલા હિંસક વિરોધ વચ્ચે આ એડવાઈઝરી જારી કરવામાં આવી છે. ભારતે રવિવારે રાત્રે બાંગ્લાદેશમાં રહેતા તેના તમામ નાગરિકોને પડોશી દેશમાં હિંસા વચ્ચે “અત્યંત સાવધાની” રાખવા અને તેમની હિલચાલ મર્યાદિત કરવાની સલાહ આપી હતી.
ઢાકાના અહેવાલો અનુસાર, રવિવારે બાંગ્લાદેશના વિવિધ ભાગોમાં સુરક્ષા દળો અને સરકાર વિરોધીઓ વચ્ચેની ભીષણ અથડામણમાં 14 પોલીસકર્મીઓ સહિત ઓછામાં ઓછા 90 લોકો માર્યા ગયા હતા. પ્રદર્શનકારીઓ પ્રધાનમંત્રી શેખ હસીનાના રાજીનામાની માંગ કરી રહ્યા છે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, બાંગ્લાદેશમાં હાજર તમામ ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ અત્યંત સાવધાની રાખે, તેમની હિલચાલ મર્યાદિત કરે અને ઢાકામાં ભારતીય હાઈ કમિશનના સંપર્કમાં રહે,
બાંગ્લાદેશમાં ગત મહિને વિવાદાસ્પદ જોબ ક્વોટા સ્કીમ સામે વિદ્યાર્થીઓનો વિરોધ શરૂ થયો હતો. વિરોધ હવે સરકાર વિરોધી આંદોલનમાં ફેરવાઈ ગયો છે. વિરોધ પ્રદર્શનમાં સિવિલ સર્વિસની નોકરીઓ માટે દેશની ક્વોટા સિસ્ટમમાં સુધારો કરવાની માગણીઓ છે, જે ચોક્કસ જૂથો માટે પોસ્ટ્સ અનામત રાખે છે, જેમાં પાકિસ્તાન સામે 1971ના સ્વતંત્રતા યુદ્ધમાં ભાગ લેનારાઓના વંશજોનો સમાવેશ થાય છે. 25 જુલાઈના રોજ વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, બાંગ્લાદેશની સ્થિતિને જોતા લગભગ 6,700 ભારતીય વિદ્યાર્થીઓ ત્યાંથી પરત ફર્યા છે.