- મસાલા અને ઓઈલના 33 નમૂના લેવાયાં
- તમામ નમૂના તપાસ અર્થે મોકલવામાં આવ્યાં
- મોટાપાયે દરોડાના પગલે ખળભળાટ
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ખાદ્ય તેલના ભાવમાં વધારો થતા ગૃહિણીઓના બજેટ ખોરવાયાં છે. આ ઉપરાંત હાલ હળદર અને મરચુ સહિતના મસાલા ભરવાની સિઝન ચાલી રહી છે. દરમિયાન ફુડ એન્ડ ડ્રગ વિભાગે સૌરાષ્ટ્રમાં કેટલીક ઓઈલ મીલો અને મસાલા ઉત્પાદકોના ત્યાં સાગમટે દરોડા પાડતા ખળભળાટ મચી ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શાપર (વેરાવળ)માં આવેલી આવેલી ઓઈલ મીલમાં તપાસ કરીને રિફાઇન્ડ સોયાબીન તેલ, મકાઇ તેલ, અને કપાસીયા તેલનાં સેમ્પલો લેવામાં આવ્યાં હતા. આવી જ રીતે અન્ય ઓઈલ મીલ, મસાલા ઉત્પાદક, ગોંડલમાં મસાલા ઉત્પાદક, મેટોડામાં બે મસાલા ઉત્પાદક, જેતપુરમાં બે મસાલા ઉત્પાદક, વિંછીયામાં ચારેક ઓઈલ મીલમાં છાપો મારવામાં આવ્યો હતો. તેમજ 33 જેટલા નમૂના લઈને તપાસ અર્થે લબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યાં છે.
ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા શાપર (વેરાવળ) મેટોડા, ગોંડલ, જેતપુર અને વિંછીયામાં મોટા પાયે દરોડા પાડવામાં આવતા અન્ય મસાલા ઉત્પાદકો અને ઓઈલ મીલ સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે. ફુડ અન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા લેવામાં આવેલા નમૂનામાં વાંધાજનક લાગશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.