પાલનપુરઃ ગુજરાતમાં ખાદ્ય ચિજવસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધતું જાય છે. જેમાં શુદ્ધ ઘીના નામે નકલી ઘીનું વેચાણ વધતું જાય છે. ત્યારે બાતમીને આધારે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગરની ટીમે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતેની એક પેઢીમાં દરોડો પાડીને રૂ. 17 લાખની કિંમતનું 2749 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો છે.
ખોરાક અને ઔષધ નિયમન તંત્રને બાતમી મળી હતી કે, પાલનપુરના ગજાનંદ માર્કેટમાં આવેલી એક પેઢીમાં શંકાસ્પદ ઘી બનાવવામાં આવી રહ્યું છે. જેના આધારે ટીમે દરોડો પાડ્યો હતો. અને સ્થળ પરથી 2700 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવતા સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે. પેઢીના માલિકની હાજરીમાં તેમની પાસેથી પ્રીમીયમ બ્રાન્ડ ઘીનાં 6 નમૂના અને લૂઝ ઘીનો 1 એમ કૂલ 7 નમૂના લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત 2700 કિલોથી વધુ ઘીનો જથ્થો કે જેની કિંમત આશરે રૂ. 17 લાખ થવા જાય છે તે સ્થળ ઉપર સીઝ કરવામાં આવેલ હતો. પાલનપુરની આ પેઢીમાં ઘીનું પેકીંગ કરી અન્ય રાજ્યમાં વેચાણ કરાતું હતું ભૂતકાળમાં પણ આ પેઢીમાંથી ભેળસેળવાળુ ઘી ઝડપાતા જે તે સમયે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.
ફૂડ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, પેઢીના માલિકીની વધુ તપાસ કરતા તેઓ બહારથી તૈયાર સસ્તું ઘી લાવી પેક કરીને ગુજરાત બહાર અન્ય રાજ્યોમાં વેચતા હતા. ભૂતકાળમાં પણ શંકાસ્પદ ઘી ઝડપાયું હતું તંત્ર દ્વારા આ પેઢીમાં અગાઉ પણ તપાસ હાથ ધરવામાં આવી હતી અને તે સ્થળેથી નમૂના લઈ જથ્થો સીઝ કરવામાં આવેલ હતો. જે તમામ જથ્થો ભેળસેળયુક્ત જણાતાં કુલ રૂ. 21 લાખ દંડ કરવામાં આવ્યો હતો. આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથકકરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ બાબતમાં આગળની ઝીણવટ ભરી તપાસ ચાલી રહી છે.