નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ શ્રીલંકા અને પાકિસ્તાન આર્થિક સંકટનો સામનો કરી રહ્યાં છે ત્યારે હવે ભારતના વધુ એક પડોશી દેશ ભૂતાનમાં ખાદ્યસામગ્રીની અછત ઉભી થયાનું સામે આવ્યું છે. ભૂતાનમાં ખાદ્યચીજોની અછત ઉભી થઈ છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોના લોકો ખાવા-પીવાની ચીજવસ્તુઓની અછતનો સામનો કરી રહ્યાં છે. તેમ ભૂતાનના નાણા મંત્રી લોકનાથ શર્માએ જણાવ્યું હતું.
ભૂતાનની વસતી આઠ લાખથી પણ ઓછી છે. પરંતુ આ નાના દેશને રશિયા-યુક્રેનના યુદ્ધના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્રણ મહિનાથી વધારે સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે, જેના કારણે ક્રુડ ઓઈલ અને અનાજની વૈશ્વિક કિંમતમાં જંગી વધારો થયો છે. આ કારણે કોરોના મહામારીના મારના બાદ રિકવરી તરફ આગળ વધી રહેલા ભૂતાનના અર્થતંત્રને મોટો ફટકો પડ્યો છે. ભૂતાન પણ અન્ય પડોશી દેશોની જેમ ખાદ્ય ચીજવસ્તુઓની ઘરેલુ ડિમાન્ડ પુરી કરવા માટે ભારત ઉપર નિર્ભર રહે છે. ભૂતાને ગયા વર્ષે ભારત પાસેથી 30.35 મિલિયન ડોલરનું અનાજ ખરીદ્યું હતું. ભૂતાન મુખ્યત્વે ભારતમાંથી ચોખા અને ઘઉંની ખરીદી કરે છે. જો કે, ભારતે ઘઉં અને ખાંડની નિકાસ ઉપર પ્રતિબંધ ફરમાવતા ભૂતાનની ચિંતામાં વધારો થયો છે.
ભૂતાનના મંત્રી શર્માએ કહ્યું હતું કે, ખાવા-પીવાની વસ્તુઓની અછતને પગલે મોંધવારી હજુ વધી શકે છે. કેટલાક દેશોએ અનાજના નિકાસ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. જેની શું અસર થશે તેની સરકારને ચિંતા છે. જો કે, ભારતે સ્પષ્ટ્રતા કરી છે કે, પડોશી દેશોને અનાજની નિકાસ કરવામાં આવશે. તેમજ ખાદ્ય સંકટનો સામનો કરતા દેશોને પણ મદદ કરવાની તૈયારી દર્શાવી છે.