રાજકોટઃ શહેરમાં વેચાતી ખાદ્ય ચિજવસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધતું જાય છે. મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય તેમજ ફુડ વિભાગ દ્વારા સમયાંતરે ચેકિંગ કરવામાં આવતું હોય છે. ભેળસેળવાળો અને અખાદ્ય જથ્થો અવાર-નવાર પકડાતો હોય છે. વેપારીઓ સામે કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે. મંગળવારે ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ ઝૂંબેશ શરૂ કરવામાં આવી હતી. ત્યારે શહેરના મોરબી રોડ પર આવેલા એક ડેરીનાં ગોડાઉનમાંથી ફૂડ વિભાગે 4500 કિલો અખાદ્ય મીઠા માવાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. તેમજ 150 કિલો વાસી મીઠાઈ અને 60 કિલો શિખંડનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. નવરાત્રી અને દિવાળીનાં તહેવારો દરમિયાન આ જથ્થો લોકો સુધી પહોંચે તે પહેલાં ફૂડ વિભાગે અખાદ્ય જથ્થો ઝડપી પાડી ડેરીનાં માલિક સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ શહેરમાં કેટલાક ફરસાણ અને મીંઠાઈના વેપારીઓ અખાદ્ય ચીજ-વસ્તુઓ વેચતા હોવાની ફરિયાદો ઊઠતી હોય છે. ફુડ વિભાગ દ્વારા તહેવારોને ધ્યાનમાં લઈને ચેકિંગ ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. દરમિયાન શહેરના મોરબી રોડનાં રાજલક્ષ્મી એવન્યુ રોડ પર રેલવે ફાટક નજીક એક ડેરીનાં ગોડાઉનમાં મોટા પ્રમાણમાં અખાદ્ય જથ્થો હોવાની માહિતી મળતા ફૂડ વિભાગની ટીમો ત્રાટકી હતી. અને તપાસ કરતા અહીં કુલ 4.5 ટન એટલે કે 4,500 કિલો અખાદ્ય મીઠો માવો કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ થયેલો જોવા મળ્યો હતો. જેના ઉપર ફૂગ વળેલી હતી. તેમજ નિયમ મુજબ તેના પેક પર ઉત્પાદન અંગેની જરૂરી વિગતો પણ જોવા મળી નહોતી. જેને પગલે ફૂડ વિભાગ દ્વારા આ તમામ જથ્થો કબ્જે કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત 150 કિલો જેટલી અલગ-અલગ મીઠાઈ તેમજ 60 કિલો જેટલો શિખંડનો જથ્થો પણ વાસી હોવાનું જણાતા ફૂડ વિભાગના અધિકારીઓ દ્વારા સ્થળ પર જ તમામ જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.
ફૂડ વિભાગના અધિકારીના કહેવા મુજબ મીંઠાઈના વેપારીની માલીકીની ડેરીમાં તપાસ કરતા માવાનાં જથ્થા ઉપર ફૂગ વળેલી જોવા મળી હતી. તેમજ કેટલોક જથ્થો પેક કરવામાં આવ્યો હતો. પરંતુ તેના ઉપર મેન્યુફેક્ચરિંગ ડેઈટ, એક્સપયારી ડેઈટ સહિતની કોઈ જરૂરી વિગતો પણ લખવામાં આવી નહોતી. અને પેકેટ ખોલીને જોતા આ જથ્થો અખાદ્ય હોવાનું જણાયું હતું. એટલું જ નહીં, માવામાં વેજીટેબલ ઓઇલ, મિલ્ક પાવડરનો ઉપયોગ થયો હોવાનું જાણવા મળ્યું હતું. આ પ્રકારના માવાની મીઠાઈઓ ખાવાથી ફૂડ પોઇઝનિંગ થવાની તેમજ વિવિધ પેટના રોગો થવાની પૂરી સંભાવના હોય દશેરાનાં તહેવારોમાં માવામાંથી મીઠાઈ બનાવીને વેચાય તે પહેલાં તમામ જથ્થો કબ્જે કરાયો છે. ડેરી ફાર્મનાં માલિક સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.