- ટીવી,ફ્રીજ જેવા ઉપકરણોમાં જોવા મળે છે સ્ટાર રેટિંગ
- હવે ખાદ્ય ચીજવસ્તુઓ પર પણ સ્ટાર રેટિંગ જોવા મળશે
- અહીં જાણો સંપૂર્ણ વિગતો
દિલ્હી:આજના સમયમાં આપણે રેટિંગ જોઇને જ પછી આપણા માટે સામાન ખરીદીએ છીએ. પછી તે એસી, ટીવી, ફ્રીજ જેવા ઈલેક્ટ્રોનિક ઉપકરણો હોય કે પછી હોટલ કે રેસ્ટોરન્ટ જેવી સેવાઓ હોય.પરંતુ હવે ટૂંક સમયમાં તમને સ્ટાર રેટિંગ જોઈને પેકેજ્ડ ફૂડ ખરીદવાની સુવિધા મળવા જઈ રહી છે.ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા, જે ભારતમાં ખાદ્ય સુરક્ષાનું નિયમન કરે છે, તેણે પેકેજ્ડ ફૂડ પર હેલ્થ સ્ટાર રેટિંગનું લેબલ લગાવવાની તૈયારી શરૂ કરી દીધી છે.આ રેટિંગ એ જ હશે જે બ્યુરો ઑફ એનર્જી એફિશિયન્સી દ્વારા હાલમાં ઈલેક્ટ્રોનિક ઉપકરણોને આપવામાં આવે છે.
દેશમાં આ પ્રકારનું આ પ્રથમ રેટિંગ હશે.આ રેટિંગ ખાદ્ય પદાર્થમાં મીઠું, ખાંડ અને ચરબીની માત્રાના આધારે આપવામાં આવશે અને પેકેજના આગળના ભાગમાં પ્રિન્ટ કરવામાં આવશે.દેશમાં જીવનશૈલીના રોગો સતત વધી રહ્યા છે.નોન-કમ્યુનિકેબલ ડિસીઝનું મુખ્ય કારણ પેકેજ્ડ ફૂડ છે. ડબ્લ્યુએચઓના રિપોર્ટ અનુસાર, વિશ્વભરમાં દર વર્ષે 40 મિલિયન લોકો એનસીડીથી મૃત્યુ પામે છે. પેકેજ્ડ ફૂડથી કોલેસ્ટ્રોલ લેવલ અને સ્થૂળતા વધવાનું જોખમ પણ છે.
બીજી મહત્વની વાત એ છે કે,દૂધ અને ડેરી ઉત્પાદનોનો રેટેડ ઉત્પાદનોમાં સમાવેશ કરવામાં આવશે નહીં.હાલમાં, ભારતમાં પેકેજ્ડ ફૂડ માર્કેટ $35-40 બિલિયનનું છે અને આગામી 5-10 વર્ષમાં તે બમણું થવાની ધારણા છે.આવી સ્થિતિમાં, તે નિશ્ચિત છે કે,આ રેટિંગ લોકોને સ્વસ્થ આહારની આદતો વિશે જાગૃત કરશે અને જીવનશૈલીના રોગોની ગતિને રોકવામાં પણ મદદ કરશે.