અમદાવાદઃ ગુજરાતમાં ફુડ આઇટમનું વેચાણ કરતા વેપારીઓએ ગ્રાહકોને દેખાય તે રીતે ડિસપ્લે બોર્ડ મૂકવાનું ફરજિયાત બનાવવામાં આવી રહ્યું છે. કેન્દ્રના આ નિર્ણયનો અમલ 1લી ઓકટબરથી લાગુ કરવામાં આવનાર છે. આ નિર્ણયના પરિણામે વેપારીઓ અને સંચાલકોએ હોટલ કે રેસ્ટોરન્ટની આગળ અને બીલમાં રજીસ્ટ્રેશન અને લાયસન્સની વિગતો આપવાની રહેશે.
ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના આદેશ પ્રમાણે ખાણી–પીણીના તમામ વેપારીઓએ ફુડ સેફ્ટી ડિસપ્લે બોર્ડ બનાવવા પડશે. દેશના અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ તેનું પાલન કરવાનું રહેશે. ખાધપદાર્થેાને લગતા તમામ વેપારીઓએ ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટીનું લાયસન્સ લેવું ફરજિયાત છે. સામાન્ય રીતે ખાધપદાર્થેાને લગતા વેપારીઓના રજિસ્ટ્રેશન નંબરની વિગતો ગ્રાહકોને સરળતાથી મળતી હોતી નથી. આ વિગતો પ્રત્યેક ગ્રાહકને જાણવી જરૂરી હોઇ હવે 1લી ઓકટોબરથી તમામ વેપારીઓએ બીલ પર રજીસ્ટ્રેશન નંબર નંબર દર્શાવવાનો રહેશે. અત્યારે આ રજિસ્ટ્રેશન નંબર પેકેજમાં ફરજિયાત દર્શાવવામાં આવે છે પરંતુ હવે રિસિપ્ટ કે બીલમાં પણ દેખાય તે રીતે પ્રદર્શિત કરવાનો રહેશે. ગ્રાહક માટે 14 ડિજીટનો નંબર ઉપલબ્ધ હોવાથી એપ્લિકેશનના માધ્યમથી તે વેપારીઓની તમામ વિગતો જાણી શકશે. એટલું જ નહીં ગ્રાહકને ફુડને લગતી કોઇ ફરિયાદ કરવી હોય તો તે આ નંબરના આધારે કરી શકશે. ગુજરાતમાં ખાધપદાર્થેાનું વેચાણ કરતા વેપારી, હોટલ અને રેસ્ટોરન્ટના માલિકો અત્યારે બીલ કે રિસિપ્ટમાં આવો નંબર લખતા હોતા નથી પરિણામે ગ્રાહકને ફરિયાદ કરવી હોય અથવા તો વેપારીની વિગતો જાણવી હોય તો મુશ્કેલી પડે છે પરંતુ હવે ખાણી–પીણીના તમામ વ્યાપારીઓએ લાયસન્સ કે રજિસ્ટ્રેશન નંબર અવશ્ય આપવાનો રહેશે