ઈજનેરીમાં પ્રવેશ માટે ધો. 12ના મુખ્ય વિષયો અને ગુજસેટના 50 ટકાના આધારે મેરીટ તૈયાર કરાશે
અમદાવાદઃ ધો. 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયા બાદ શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરી દીધા બાદ વિજ્ઞાન પ્રવાહની કોલેજો તેમજ ઈજનેરીની વિવિધ વિદ્યાશાખામાં પ્રવેશ કામગીરીનો પ્રારંભ કરાયો છે. એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ (એસીપીસી)એ શૈક્ષણિક વર્ષ 2021-2022 માટે ધોરણ 12 પછીના ડિગ્રી એન્જિનિયરિંગ કોર્સની આશરે 64 હજારથી વધુ બેઠકો પર પ્રથમ વર્ષમાં પ્રવેશ નિયમોમાં ફેરફાર, પ્રવેશ કાર્યક્રમ સહિતની જાહેરાત કરી છે.
જે મુજબ સરકારી અને ગ્રાન્ટ ઈન એઈડ કોલેજોની 95 ટકા બેઠકો તેમજ સ્વ નિર્ભર કોલેજોની 50 ટકા બેઠકોમાં શિક્ષણ બોર્ડની થિયરી પરીક્ષાના મુખ્ય ત્રણ વિષયોના પર્સન્ટાઈલના 50 ટકા તેમજ ગુજસેટની પરીક્ષાના પર્સન્ટાઈલના 50 ટકાના આધારે પ્રવેશ મેરિટ બનશે. સરકારી, અનુદાનિત સંસ્થાઓની પાંચ ટકા બેઠકો પર જેઈઈ(મેઈન)2021ના ઓલ ઈન્ડિયા રેન્ક પર મેરિટ બનાવવાનું નક્કી કરાયું છે. સેલ્ફ ફાઈનાન્સ કોલેજો તેમની માન્ય બેઠકોની 50 ટકા બેઠકો ઓલ ઈન્ડિયા સ્તરે પ્રવેશ કાર્યવાહી સંસ્થા સ્તરે જેઈઈ મેઈન અથવા તો ગુજસેટના આધારે ભરી શકશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ધો.12 પછીના ઈજનેરીના અભ્યાસક્રમોમાં આ વર્ષથી એ ગ્રૂપના વિદ્યાર્થીઓની સાથે સાથે બી ગ્રૂપના વિદ્યાર્થીઓને પણ વિવિધ 15 બ્રાન્ચમાં પ્રવેશ માટેની મંજૂરી આપી છે. બાયોમેડિકલક બાયોટેકનોલોજિકલ, નેનો ટેકનોલોજિકલ ડેરી ટેકનોલોજી, ફૂડ ટેકનોલોજી, રબ્બર ટેકનોલોજી, ટેક્સટાઇલ ટેકનોલોજી, ટેક્સટાઈલ એન્જિનિયરિંગ, ટેક્સટાઈલ પ્રોસેસિંગ, એગ્રિકલ્ચર એન્જિનિયરીંગ, એગ્રિકલ્ચર ટેક્નોલોજી, કેમિકલ અને બાયો કેમિકલ એન્જિનિયરિંગ, બાયોમેડિકલ એન્ડ રોબોટિક એન્જિનિયરિંગ, કમ્પ્યુટર સાયન્સ એન્ડ બાયો સાયન્સ, બાયોઈન્ફોર્મેટિક્સનો સમાવેશ થાય છે. રાજ્યમાં આ વર્ષે એઆઇસીટી દ્વારા વિવિધ સંસ્થાની 900 બેઠકો વધારાઈ છે અને 1600 બેઠકોનો ઘટાડો કરાયો છે. આ વખતે ત્રણ નવી સંસ્થાઓના પ્રવેશ કાર્યક્રમમાં સમાવેશ કરાયો છે.