અમદાવાદઃ ગુજરાતમાં નવી શિક્ષણ નીતિ અંતર્ગત શાળાઓમાં પહેલા ધોરણમાં 6 વર્ષની વય પૂર્ણ કરેલા એટલે જે બાળકોએ સાતમાં પ્રવેશ કર્યો છે. તેવા બાળકોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. બીજીબાજુ જે બાળકો સાત વર્ષથી ઓછી વયના છે. તેવા બાળકો માટે શાળઓમાં બાળવાટિકા શરૂ કરવામાં આવી છે. બાલવાટિકામાં પ્રવેશ લેનારા બાળકોના નામ જી.આર.માં સમાવવા માટે સ્કૂલોને સૂચના અપાઈ છે. આ સ્થિતિમાં જે વિદ્યાર્થીઓએ ચાલુ વર્ષે બાલવાટિકામાં પ્રવેશ મેળવ્યો નથી અને આગામી વર્ષે સીધા જ ધો.1માં પ્રવેશ માટે લેવા જશે, ત્યારે પ્રવેશની સમસ્યા આવી શકે છે. ધો.1માં પ્રવેશ વખતે બાલવાટિકાનું એલ.સી. માંગવામાં આવે તો તેમને પ્રવેશની મુશ્કેલી સર્જાશે. જેથી ચાલુ વર્ષે 5 વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા બાળકોને બાલવાટિકામાં પ્રવેશ મેળવી લેવો હિતાવહ છે. RTEમાં પણ ધો.1ના પ્રવેશ વખતે એલ.સી.ની વિગતો માંગવામાં આવે તેવી શક્યતાને જોતા પ્રવેશ વખતે હાલાકી પડી શકે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં અત્યાર સુધી શાળામાં શિક્ષણ મેળવવા માટેનું પ્રથમ પગથિયુ ધો.1 હતું. જેથી બાળકના જન્મના દાખલાના આધારે અથવા તો વાલી ફોર્મ ભરીને બાળકને ધો.1માં પ્રવેશ અપાવતા હતા. જોકે, શિક્ષણ વિભાગ દ્વારા નવી શિક્ષણ નીતિ અંતર્ગત ચાલુ શૈક્ષણિક વર્ષ એટલે કે 2023-24થી ધો.1માં પ્રવેશ માટેની વયમર્યાદામાં ફેરફાર કર્યો હતો અને બાળક 6 વર્ષનો થાય તો જ ધો.1માં પ્રવેશ માટે લાયક બને તેવો નિયમ અમલમાં મૂક્યો છે. જેથી 1 જુન, 2023 સુધીની તારીખમાં જે બાળકોને 6 વર્ષ પૂર્ણ થયા છે તેમને જ ચાલુ વર્ષે ધો.1માં પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. જોકે, આ નિર્ણયથી જે બાળકો 5 વર્ષ પૂર્ણ કર્યા હોય અને 6 વર્ષ પૂર્ણ થયા ન હોય તેમના શિક્ષણ સામે પ્રશ્નાર્થ ઉભો થાય તેમ હોવાથી શિક્ષણ વિભાગ દ્વારા આવા બાળકો માટે બાલવાટિકા શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં બાળવાટિકા શરૂ કરવામાં આવી છે. બાલવાટિકામાં 5 વર્ષ પૂર્ણ કરનાર બાળકોને પ્રવેશ આપવામાં આવે છે. જેથી ચાલુ વર્ષે બાલવાટિકા અને ધો.1માં બાળકોને ઉંમરના આધારે જન્મના દાખલો આપી પ્રવેશ આપી શકાશે. પરંતુ આગામી શૈક્ષણિક વર્ષમાં ધો.1માં પ્રવેશ માટે જે તે બાળકને શાળાના બાલવાટિકાનો દાખલો એટલે કે એલ.સી. મેળવવું પડી શકે છે. જેથી ધો.1માં જન્મના દાખલાના આધારે સીધો પ્રવેશ ન પણ મળે તેવી સ્થિતિ ઉભી થઈ શકે છે. હાલમાં જે બાળકોએ બાલવાટિકામાં પ્રવેશ મેળવ્યો છે તેના નામ પણ સ્કૂલના જી.આર.માં ચઢાવવામાં આવ્યા છે. જેથી તેઓ અન્ય સ્કૂલમાં ધો.1માં જાય તો સ્કૂલમાંથી એલ.સી. લેવું કે કેમ તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. પરંતુ નિયમ અનુસાર જે બાળકનું નામ જી.આર.માં દાખલ કરવામાં આવે તેમને સ્કૂલ બદલવી હોય તો એલ.સી. મેળવવું પડતું હોય છે. જેથી બાલવાટિકાના કિસ્સામાં પણ તે લાગુ પડી શકે છે. આ સ્થિતિમાં આગામી વર્ષે રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ધો.1ના પ્રવેશ વખતે બાલવાટિકાનો દાખલો માંગવામાં આવે તો નવાઈ નહીં.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, બાલવાટિકામાં પ્રવેશ લેનારા બાળકોના નામ શાળાના સામાન્ય પત્રકમાં નોંધવાના રહેશે તથા જનરલ રજિસ્ટર નંબર આપવાનો રહેશે તેવી સૂચના છે. આ સ્થિતામાં જુન-2024માં ધો.1માં પ્રવેશ વખતે જે તે શાળાના બાલવાટિકાનો દાખલો મેળવવું પડશે અથવા જરૂરી બની જશે. એટલે કે ધો.1માં જન્મના આધારે સીધો પ્રવેશ મળી શકશે નહીં. જેથી જે બાળક પાસે બાલવાટિકાનો દાખલો નહીં હોય તેમને RTE અંતર્ગત ધો.1માં પ્રવેશ માટે એફિડેવિટ કરાવવી ફરજિયાત બનશે અથવા તો શિક્ષણ વિભાગ દ્વારા નવી ફોર્મ્યુલા દાખલ કરવી પડશે.