Site icon Revoi.in

રાજ્યમાં મનપા-ન.પામાં વિકાસ કાર્યો માટે સરકારે રૂ. 1512 કરોડની ફાળવણી કરી

Social Share

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે રાજ્યના નગરો-મહાનગરોનાં સર્વાંગી વિકાસ માટે કાર્યદક્ષતાથી ગુણવત્તાયુક્ત જન સુવિધા કામો હાથ ધરવાનું પ્રેરક આહવાન કર્યું છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન  નરેન્‍દ્ર મોદીના શાસનના 9 વર્ષ સેવા-સુશાસન અને ગરીબ કલ્યાણના રહ્યા છે. સેવા અને સુશાસન પરસ્પર જોડાયેલા છે તેથી સેવાના ભાવ સાથે થતાં જનસુવિધાના  વધુ ને વધુ કામોથી જ સેવા-સુશાસન અસરકારક બની શકે.  મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ ગાંધીનગરનાં મહાત્મા મંદિરમાં રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા નગરપાલિકાઓ-મહાનગરપાલિકાઓને સર્વાંગી વિકાસ કામો માટેની કુલ રૂ. 1512 કરોડની ગ્રાન્‍ટના ચેક વિતરણ સમારોહના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરી રહ્યા હતા. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ  ગુજરાતની સ્થાપનાનાં સ્વર્ણિમ જયંતી વર્ષ અન્‍વયે શરૂ કરાવેલી સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત નગરોમાં જન સુવિધાના સર્વગ્રાહી કામો માટે પ્રતિવર્ષ આવી ગ્રાન્‍ટ ફાળવવામાં આવે છે. આ વર્ષમાં રાજ્યની 8 મહાનગરપાલિકાઓને રૂ. 2874.40 કરોડ તથા નગરપાલિકાઓને રૂ. 645 કરોડ મળીને સમગ્રતયા રૂ. 3520 કરોડની મળવાપાત્ર ગ્રાન્‍ટના પ્રથમ હપ્તા તરીકે કુલ રૂ. 1150 કરોડ 8 મ.ન.પા.ને અને રૂ. 362 કરોડ નગરપાલિકાઓને મળીને એમ કુલ રૂ. 1512 કરોડ રૂપિયાના મુખ્યમંત્રી અને મહાનુભાવોએ સંબંધિત સ્થાનિક સત્તાતંત્રનાં પદાધિકારીઓ, અધિકારીઓને અર્પણ કર્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે કહ્યું કે, આજે રાજ્યમાં એવું સુદ્રઢ નાણાં વ્યવસ્થાપન છે કે કરોડો રૂપિયાનાં વિકાસ કામો, ઓનલાઈન સેવાઓ, રોડ-વીજળી-પાણીનું મજબુત ઈન્ફ્રાસ્ટ્રક્ચર મળતું થવાથી નાગરિકો-પ્રજાજનોની અપેક્ષાઓ સંતોષાઈ રહી છે. એટલું જ નહિ, પ્રજા વર્ગોને વિશ્વાસ અને ભરોસો છે કે હજુ વધુ સારી સેવા-સુવિધાઓ તેમને સ્થાનિક સત્તાતંત્ર પાસેથી મળતી રહેશે જ. “નાગરિકો-પ્રજાજનોએ જે જવાબદારી આપણને આપી છે તેને સમૂહમાં સારા અને ગુણવત્તાયુક્ત કામો, કાર્યપદ્ધતિ અને કાર્યદક્ષતા દ્વારા વિકાસ કામોથી પાર પાડીએ” એમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.  તેમણે ક્લાયમેટ ચેન્‍જના પડકારો તથા વાતાવરણનાં બદલાવ સામે વધુને વધુ વૃક્ષો વાવી ગ્રીન કવર નગરો-મહાનગરોમાં વધારવાની હિમાયત કરી હતી. નગરપાલિકા-મહાનગરપાલિકાઓને પાણીનો કરકસર યુક્ત વપરાશ, વીજ બચત, માર્ગોની મરામતનાં કામો અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું.

મુખ્યમંત્રીએ શહેરોમાં ડ્રેનેજ સફાઈ માટે મેનહોલમાં અદ્યતન અસરકારક મશીનરીનો ઉપયોગ કરવાની નેમ દર્શાવી હતી. તેમણે આ હેતુસર, જેટિંગ કમ સક્શન વીથ રિસાયક્લિંગ ફેસેલીટી વાનને પ્રસ્થાન કરાવ્યું હતું. આ વાન પ્રાથમિક તબક્કે રાજ્યના 6 રિજિયોનલ મ્યુનિસિપલ કમિશનર કચેરીઓ હસ્તક તેમના વિસ્તારોની નગરપાલિકાઓમાં જરૂરિયાત મુજબના ઉપયોગ માટે ફાળવવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે નગરપાલિકા-મહાનગરમાલિકાને અર્પણ થયેલી રકમથી સર્વાંગી વિકાસના કામો દ્વારા આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત માટે આત્મનિર્ભર શહેરોના નિર્માણની પ્રેરણા આપી હતી.         

વિકાસ કામો માટે ચેક વિતરણના આ સમારોહમાં રાજ્યની આઠ મહાનગર પાલિકાઓ અને 157 નગર પાલિકાઓને રૂપિયા 1512 કરોડની સહાયના ચેકોનું વિતરણ કરાયું હતું. જેમાં અમદાવાદ મહાનગર પાલિકાને રૂપિયા 426 કરોડ, સુરત મહાનગરપાલિકાને રૂપિયા 348 કરોડ, વડોદરા મહાનગર પાલિકાને રૂપિયા 130 કરોડ, રાજકોટ મહાનગરપાલિકાને રૂપિયા 103 કરોડ, ભાવનગર મહાનગર પાલિકાને રૂપિયા 48 કરોડ, જામનગર મહાનગરપાલિકાને રૂપિયા 46 કરોડ, જૂનાગઢ મહાનગરપાલિકાને રૂપિયા 24 કરોડ, ગાંધીનગર મહાનગરપાલિકાને રૂપિયા 25 કરોડ મળી કુલ રૂપિયા 1150 કરોડના ચેકનું વિતરણ કરાયું હતું. આ ઉપરાંત157 નગરપાલિકાઓને પણ રૂપિયા 362 કરોડની રકમના ચેક વિતરણ થયા હતા.