મોદી સરકારમાં સતત ઘટી રહી છે પુરુષ કામદારોની સંખ્યા, રોકવામાં આવેલા NSSOના આંકડાઓથી ખુલાસો
કેન્દ્રની મોદી સરકાર રોજગારના મુદ્દા પર વિપક્ષી પાર્ટીઓના નિશાને છે. સત્તામાં આવતા પહેલા ભાજપે દર વર્ષે યુવાવર્ગને કરોડો રોજગાર આપવાની ઘોષણા કરી હતી. પરંતુ સત્તામાં આવ્યા બાદથી સરકાર પોતાના આ વાયદાને પૂર્ણ કરવામાં નિષ્ફળ રહી છે. હવે નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ એટલે કે NSSOના તાજેતરના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે દેશમાં પુરુષ કામદારોની સંખ્યા ઘટી રહી છે. 2017-18માં NSSO દ્વારા કરવામાં આવેલા પિરિયોડિક લેબર ફોર્સ સર્વે એટલે કે પીએલએફએસમાં ખુલાસો થયો છે કે 1993-94 બાદ 2017-18 પુરુષ કામદારોની સંખ્યા ઘટાડા સાથે 28.6 કરોડ જોવા મળી છે. અંગ્રેજી અખબારે આ રિપોર્ટની સમીક્ષા કરી છે અને તેના આધારે પ્રકાશિત અહેવાલમાં જણાવ્યું છે કે 1993-94માં આ સંખ્યા 21.9 કરોડ હતી. 2011-12માં આ આંકડો 30.4 કરોડનો હતો. આ સર્વેક્ષણથી ખુલાસો થાય છે કે ગત પાંચ વર્ષો દરમિયાન દેશમાં રોજગારની બેહદ ઓછી તકો પેદા થઈ છે.
સરકારે રિપોર્ટ જાહેર કર્યો નથી
ખાસ વાત એ છે કે સરકારે આ રિપોર્ટને જાહેર કરવા પર હાલપુરતી રોક લગાવી દીધી છે. માનવામાં આવે છે કે આગામી લોકસભા ચૂંટણીઓને જોતા આ નિર્ણય કરવામાં આવ્યો છે. અહેવાલ છે કે સરકારે આ પગલાના વિરોધમાં નેશનલ સ્ટેટેસ્ટિકલ કમિશનના કાર્યવાહક ચેરપર્સન પી. સી. મોહનન અને એક સદસ્ય જે. વી. મિનાક્ષીએ પોતાના પદ પરથી રાજીનામા આપી દીધા છે. આ રિપોર્ટમાં દેશના શહેરી અને ગ્રામીણ ક્ષેત્રોના અલગ-અલગ આંકડા પણ આપવામાં આવ્યા છે. તેના પ્રમાણે શહેરી ક્ષેત્રમાં બેરોજગારીનો દર 7.1 ટકા અને ગ્રામીણ ક્ષેત્રમાં આ આંકડો 5.8 ટકા છે. ઓળખ જાહેર નહીં કરવાની શરતે એક વિશેષજ્ઞે જણાવ્યુ છે કે હજી આ ડેટાનો વધુ અભ્યાસ કરવાનો બાકી છે. પરંતુ એ વાત સ્પષ્ટ છે કે નોકરીઓમાં ઘટાડો થયો છે અને રોજગારના નવા મોકા પણ પેદા થયા નથી.
NSSOના ડેટા મુજબ, 2011-12થી લઈને 2017-18 વચ્ચે દેશના ગ્રામીણ વિસ્તારોમાં 4.3 કરોડ જેટલી નોકરીઓ ઘટી હતી. તો આ સમયગાળા દમરિયાન શહેરી વિસ્તારોમાં 40 લાખ નોકરીઓમાં ઘટાડો જોવા મળ્યો હતો. ગ્રામીણ વિસ્તારોમાં મહિલા રોજગારમાં 68 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. તો શહેરોમાં પુરુષ કામદારોની રોજગારીમાં 96 ટકાનો ઘટાડો થયો છે. રિપોર્ટ મુજબ, 2011-12થી અત્યાર સુધીમાં દેશમાં કુલ 4.7 કરોડ રોજગાર ઘટયા છે અને તે સાઉદી અરેબાની કુલ વસ્તી કરતા પણ વધારે છે.
પીએલએફએસના રિપોર્ટ મુજબ, તકનીકી સિક્ષણ મેળવનારા કામદારોના પ્રમાણમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. તેની સીધી અસર રોજગાર પર પડી છે. 2011-12થી લઈને 2017-18 સુધી રોજગારની વોકેશનલ અથવા ટેક્નિકલ ટ્રેનિક મેળવનારાઓની સંખ્યામાં પણ 2.2 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.