જુનિયર અને સિનિયર કેજીના વર્ગો માટે હવે શિક્ષણ વિભાગમાં ફરજિયાત નોંધણી કરાવવી પડશે
અમદાવાદઃ ગુજરાતમાં નવા શૈક્ષણિક વર્ષથી નવી શિક્ષણ નીતિનો અમલ શરૂ થઈ જશે, જેમાં આ વર્ષથી 6 વર્ષ પૂર્ણ કર્યા હશે તેવા બાળકોને જ ધોરણ-1માં પ્રવેશ આપવામાં આવશે. સરકારના આ નિર્ણય સામે વાલીઓમાં વિરોધ પણ ઊઠ્યો હતો.પણ સરકારે પ્રાથમિક શાળાઓમાં 7 વર્ષથી નાના બાળકો માટે બાળવાટિકા શરૂ કરવાનો નિર્ણય લીધો છે. દરમિયાન અમદાવાદ સહિત શહેરોમાં જુનિયર અને સિનિયર કેજીના વર્ગો અનેક સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવી રહ્યા છે. હવે નવા શૈક્ષણિક વર્ષથી જુનિયર, સિનિયર કેજી કે બાળવાટિકા ચલાવતી સંસ્થાઓએ શિક્ષણ વિભાગમાં ફરજિયાત નોંધણી કરાવવી પડશે.
અમદાવાદ સહિત નાના-મોટા શહેરોમાં ચાલતી પ્રી પ્રાઇમરી સ્કૂલ ગૃહઉદ્યોગ બની ગઈ છે, પરંતુ હવે શૈક્ષણિક વર્ષ 2024-25થી જુનિયર કેજી, સિનિયર કેજી અને બાલવાટિકા શરૂ કરવા માટે ફરજિયાતપણે શિક્ષણ વિભાગમાં નોંધણી પણ કરાવવી પડશે અને મંજૂરી પણ લેવી પડશે. સાથે જ ચાલુ શાળાઓએ પણ નોંધણી કરાવવી પડશે. રાજ્ય સરકારે નવી શિક્ષણ નીતિ, 2023 હેઠળ આ અંગેનો ઠરાવ બહાર પાડ્યો છે. આ ઠરાવમાં નવી અને વર્તમાન શાળાઓની નોંધણી પ્રક્રિયા, પ્રી સ્કૂલોમાં પ્રવેશ માટેની ઉમંર, દંડની જોગવાઈ, શૈક્ષણિક નીતિના નિયમન માટે જવાબદાર અધિકારી સહિતની બાબતોને આવરી લેવામાં આવી છે.
શિક્ષણ વિભાગના સૂત્રોના કહેવા મુજબ રાજ્ય સરકારે કરેલા ઠરાવ પ્રમાણે હવેથી પ્રી પ્રાઇમરી સ્કૂલ શરૂ કરવા માટે સંચાલકોએ શિક્ષણ વિભાગમાં રૂ. 5000 ભરીને રજિસ્ટ્રેશન કરાવવું પડશે. સાથે જ આ નિયમોનો ભંગ કરનારને રૂ. 10,000થી રૂ. 25,000ના દંડની જોગવાઈ કરાઈ છે. ગુજરાત સરકારે શિક્ષણમંત્રીની ઉચ્ચસ્તરીય ટાસ્ક ફોર્સ કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટીની બેઠકમાં શૈક્ષણિક વર્ષ 2023થી શિક્ષણના પુન:ગઠનમાં શાળાશિક્ષણ 5 + 3 + 3 + 4નો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના અનુસંધાને ગુજરાત સરકારે નોન ગ્રાન્ટ ઇન એઇડ પ્રી પ્રાઇમરી ઇન્સ્ટિટ્યૂટ માટે (બિન અનુદાનિત પૂર્વ પ્રાથમિક શિક્ષણ સંસ્થા-સ્કૂલ)ની નોંધણી માટેની નીતિ એટલે કે પૉલિસીની રચના કરી છે. ગુજરાત સ્ટેટ પ્રી પ્રાઇમરી એજ્યુકેશન પૉલિસી, 2023માં વિવિધ મુદ્દા આવરી લેવાયા છે. આ ઠરાવ પૂર્વ પ્રાથમિક શિક્ષણ સાથે સંકળાયેલી ખાનગી સંસ્થા, ટ્રસ્ટ, કંપની કે કોઈ પણ બિન સરકારી સંગઠન, શૈક્ષણિક કેન્દ્રો માટે અમલી રહેશે. આ ખાનગી સંસ્થાઓ કે ખાનગી સ્કૂલોની નોંધણી, રજિસ્ટ્રેશન પાછું ખેંચવાની સત્તા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અથવા તો જિલ્લા શિક્ષણાધિકારી પાસે રહેશે. હાલમાં કાર્યરત સંસ્થાઓએ પણ 12 મહિનામાં નોંધણી કરાવવાની રહેશે. જો તેમ નહીં કરાય તો તે સંસ્થાનું કોઈ અસ્તિત્વ રહેશે નહીં, નોંધણી વગર સંસ્થા ચાલશે પણ નહીં.
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જે નિયમો બનાવવામાં આવ્યા છે. જેમાં 3 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકને પૂર્વ પ્રાથમિક વિભાગમાં પ્રવેશ મળશે નહીં, જુનિયર કેજી : બાળકે 3 વર્ષ પૂરાં કર્યાં હોય, ચોથું વર્ષ ચાલચતું હોય તેવા બાળકને જુનિયર કેજીમાં પ્રવેશ મળશે. સિનિયર કેજી : બાળકે 4 વર્ષ પૂરાં કર્યાં હોય, પાંચમું વર્ષ ચાલી રહ્યું હોય તેવા બાળકને સિનિયર કેજીમાં પ્રવેશ મળશે. બાલવાટિકા : બાળકે 5 વર્ષ પૂરાં કર્યાં હોય અને છટ્ઠું વર્ષ ચાલી રહ્યું હોય તેવા બાળકને બાલવાટિકામાં પ્રવેશ મળશે