લખનૌઃ કેદારનાથ ધામમાં પૂજા અર્ચના અને કેદારનાથ રોપવેનો શિલાન્યાસ કર્યા બાદ પીએમ બદ્રીનાથ ધામ પહોંચ્યા હતા. તેમણે ભગવાન બદ્રીનાથની પૂજા અને દર્શન કર્યા હતા. આ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના છેલ્લા ગામ માના પહોંચ્યા હતા. જ્યાં તેઓ જાહેર સભાને સંબોધી હતી. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લી વખત જ્યારે હું આવ્યો હતો ત્યારે મારા મોંમાંથી એ વાત નીકળી હતી કે આગામી દાયકો ઉત્તરાખંડનો હશે. વડાપ્રધાને તેમના સંબોધનની શરૂઆત જય બદ્રી વિશાલ, જય બાબા કેદારથી કરી હતી.
પીએમ મોદીએ કહ્યું હતું કે આજે હું નવા પ્રોજેક્ટ સાથે સંકલ્પનું પુનરાવર્તન કરવા આવ્યો છું. આ દરમિયાન તેમણે માના સાથે જોડાયેલી 25 વર્ષ જૂની યાદો તાજી કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, માના ગામને ભારતના છેલ્લા ગામ તરીકે ઓળખવામાં આવે છે. હવે મારા માટે દેશની સરહદ પરનું દરેક ગામ પહેલું ગામ છે. પીએમ મોદીએ કહ્યું કે, દેશની સરહદ પર આવેલા આ ગામો આપણા દેશના મજબૂત રક્ષક છે. 25 વર્ષ પહેલા પણ માણામાં મેં ઉત્તરાખંડ ભાજપની કાર્યકારી સમિતિની બેઠક બોલાવી હતી. ત્યારે મેં કહ્યું હતું કે, જે દિવસે ઉત્તરાખંડ ભાજપના દિલમાં માના ગામનું સ્થાન બનાવશે તે દિવસે ત્યાંના લોકોના દિલમાં ભાજપનું સ્થાન બની જશે.
વડાપ્રધાને કહ્યું કે, હેમકુંડ રોપ-વેના નિર્માણથી યાત્રિકોને સુવિધા મળશે. પ્રવાસીઓ હવે અહીંથી પ્રવાસનો સુખદ અનુભવ લઈ શકશે. પીએમ મોદીએ કહ્યું કે ગુલામીની સાંકળોએ આપણા દેશને એવી રીતે બાંધી રાખ્યો છે કે કેટલાક લોકો વિકાસના કામ પર સવાલ ઉઠાવે છે. અગાઉ દેશમાં પોતાની સંસ્કૃતિને લઈને ઈન્ફિરીઓરિટી કોમ્પ્લેક્સ હતું. પરંતુ હવે કેદારનાથ, બદ્રીનાથ, હેમકુંડ સાહિબ, કાશી ઉજ્જૈન અયોધ્યા જેવા આદરના કેન્દ્રો તેમની ભવ્યતા બતાવી રહ્યા છે. હવે દેશમાં ગુલામીની માનસિકતાનો અંત લાવવાની જરૂર છે.
તેમણે કહ્યું કે અગાઉની સરકારોએ હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોની શક્તિનો ઉપયોગ તેમની વિરુદ્ધ કર્યો છે. પરંતુ આજે સરહદી લોકોને સંતોષ છે.