ગાંધીનગરઃ પાટનગરના GPCBના હોલમાં સિટી બ્યુટી કોમ્પિટિશનમાં રાજ્ય સ્તરે વિજેતા થયેલા મહાનગરો અને નગરપાલિકાઓ માટે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમારના હસ્તે એવોર્ડ વિતરણ સમારોહ યોજાયો હતો. જેમાં કેન્દ્રીય હાઉસિંગ અને અર્બન અફેર્સ મંત્રાલય દ્વારા આયોજિત સિટી બ્યુટી કોમ્પિટિશનમાં ગુજરાતની વિવિધ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકા દ્વારા ઉત્સાહભેર ભાગ લેવામાં આવ્યો હતો.
શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમારે આ પ્રસંગે જણાવ્યું હતુ કે, મહા નગરપાલિકા અને નગરપાલિકાના પદાધિકારીઓના માર્ગદર્શન હેઠળ અધિકારીઓ તથા તેમની સમગ્ર ટીમ દ્વારા શહેરોના શ્રેષ્ઠ સૌંદર્ય માટે કરવામાં આવતા પ્રયાસોની ખાસ નોંધ લઈ આ કામગીરીને પ્રોત્સાહન આપવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરોના સૌંદર્ય માટે મહાનગર પાલિકા-નગરપાલિકાની ટીમ દ્વારા કરવામાં આવતા પ્રયાસો અભિનંદનીય છે. જેમાં વિવિધ કેટેગરીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર મહાનગર પાલિકા અને નગરપાલિકાને એવોર્ડથી સન્માન મળ્યું છે.
તેમણે ઉમેર્યું કે, સ્વચ્છતાના આગ્રહી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં નિર્મળ ગુજરાત 2.૦ અભિયાન અંતર્ગત સ્વચ્છતાને મિશન તરીકે લઈ રાજ્યભરમાં સ્વચ્છતા જાળવણી સંબંધિત વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જેમાં આપ સૌની સક્રિય ભાગીદારી રાજ્યને સ્વચ્છ અને નિર્મળ બનાવવામાં મહત્વની સાબિત થશે.
આ એવોર્ડ વિતરણ સમારોહમાં હેરિટેજ કેટેગરીમાં પ્રથમ ક્રમે લક્ષ્મી વિલાસ પેલેસ – વડોદરા મહાનગર પાલિકા, દ્વિતીય ક્રમે ઢાળની પોળ – અમદાવાદ મહાનગર પાલિકા અને તૃતીય સ્થાને સુરત ફોર્ટના રીસ્ટોરેશન અને રીડેવલપમેન્ટ માટે સુરત મહાનગર પાલિકાને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે. જ્યારે ગ્રીન સ્પેસ કેટેગરીમાં પ્રથમ ક્રમે લોકમાન્ય તિલક ગાર્ડન – અમદાવાદ મહાનગર પાલિકા, દ્વિતીય ક્રમે સ્વામી વિવેકાનંદ પાર્ક – કોડીનાર નગરપાલિકાને અને તૃતીય ક્રમે ફ્લાવર પાર્ક – અમદાવાદ મહાનગર પાલિકાને એવોર્ડ પ્રાપ્ત થયો છે. તો બીજી તરફ કોમર્શિયલ કેટેગરીમાં પ્રથમ ક્રમે ગુજરી બજાર – અમદાવાદ મહાનગર પાલિકા, દ્વિતીય ક્રમે જનમહલ અર્બન ટ્રાન્સપોર્ટ હબ – વડોદરા મહાનગર પાલિકા અને તૃતીય ક્રમે પુષ્કર ધામ હોકર્સ ઝોન – રાજકોટ મહાનગર પાલિકાને એવોર્ડ પ્રાપ્ત થયો છે.
વોટર ફ્રન્ટ કેટેગરીમાં પ્રથમ ક્રમે સાબરમતી રિવરફ્રન્ટ – અમદાવાદ મહાનગર પાલિકા, દ્વિતીય ક્રમે ગોપી તળાવ – સુરત મહાનગર પાલિકા અને તૃતીય ક્રમે કાંકરિયા લેક ફ્રન્ટ – અમદાવાદ મહાનગર પાલિકાને એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યો છે. તે ઉપરાંત વોર્ડ કેટેગરીમાં ભાતર – વેસુ – ડુમસ વોર્ડ નં.૨૨ – સુરત મહાનગર પાલિકાને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.