Site icon Revoi.in

RTEમાં બાળકોના પ્રવેશ માટે વાલીઓની વાર્ષિક આવક 1.50 લાખથી વધારી 2.50 લાખ કરવા માગ

Social Share

અમદાવાદઃ ગરીબ પરિવારના બાળકોના શિક્ષણ માટે ખાનગી શાળાઓમાં કેટલી બેઠકો અનામત રાખવામાં આવે છે, અને રાઈટ ટુ એજ્યુકેશન યાને આરટીઈ હેઠળ સરકાર દ્વારા અરજીઓ મંગાવીને જરૂરી આવકના પુરાવા તપાસીને ગરીબ પરિવારના બાળકોને તેમના ઘરની નજીકની ખાનગી શાળાઓમાં પ્રવેશ ફાળવવામાં આવે છે. ગરીબ પરિવારના બાળકોની ફી ખાનગી શાળાઓને સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. આરટીઈમાં પ્રવેશ માટે બાળકોના વાલીઓની વાર્ષિક આવક દોઢ લાખ નક્કી કરવામાં આવી છે. એટલે દોઢ લાખથી વધુ આવક હોય એવા વાલીઓના બાળકોને આરટીઈ હેઠળ પ્રવેશ મળી શકતો નથી. આથી વાલીઓ દ્વારા વાર્ષિક અઢી લાખની આવક મર્યાદા નક્કી કરવાની માગ ઊઠી છે.

રાઇટ એજ્યુકેશન હેઠળ વાલીઓની આવક મર્યાદા 1.50 લાખ નક્કી કરવામાં આવી છે. 2009થી RTE લાગુ થયું ત્યારથી આવક મર્યાદા 1.50 લાખ જ છે. 15 વર્ષમાં મોંઘવારી વધી છતાં RTE માટે આવક મર્યાદા વધારવામાં આવી નથી. જેથી વાલી મંડળે મુખ્યમંત્રીને પત્ર લખીને RTEમાં આવક મર્યાદા વધારવા માગ કરી છે. વાલી મંડળે 2.50 લાખ આવક મર્યાદા કરવા માગ કરી છે.

ગુજરાત વાલી એકતા મંડળે મુખ્યમંત્રીને પત્ર લખીને એવી રજુઆત કરી છે કે,  2009માં જ્યારે RTEનો કાયદો ઘડવામાં આવ્યો ત્યારે આવક મર્યાદા 1.50 લાખ હતી. 2009થી 2024 સુધી મોંઘવારી સતત વધતી રહી છે. સામાન્ય અને ગરીબ માણસ પોતાનું કુટુંબનું ગુજરાન ચલાવવા વાર્ષિક 2થી 2.50 લાખ સુધી કમાય છે. હાલની પરિસ્થિતિમાં ગુજરાન ચલાવવા માટે 2.50 લાખ રૂપિયા સુધીની આવક પણ જરૂરી છે. રાજસ્થાન, દિલ્હી જેવા રાજ્યમાં RTEમાં આવક મર્યાદા 2.50 લાખ છે, તો ગુજરાતના વાલીઓ માટે વધારવામાં શા માટે નથી આવતી? ગુજરાતના વાલીઓ માટે પણ આવક મર્યાદા 2.50 લાખ કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.