આધુનિક ફિશિંગ બંદરો અને ફિશ લેન્ડિંગ કેન્દ્રોના વિકાસ માટે રૂ. 7,500 કરોડથી વધુના પ્રોજેક્ટને મંજૂરીઃ પરષોત્તમ રૂપાલા
અમદાવાદઃ કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પરષોત્તમ રૂપાલા અને બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે સમુદ્રીકા હોલ, વિલિંગ્ડન આઇલેન્ડ, થોપ્પુમ્પડી ખાતે કોચીન ફિશિંગ હાર્બરના આધુનિકીકરણ અને અપગ્રેડેશનના પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. માર્ચ 20202 માં મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય દ્વારા સાગરમાલા યોજના હેઠળ બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય સાથે સંકલન કરીને પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (PMMSY) હેઠળ થોપ્પુમપાડી ખાતે કોચીન ફિશિંગ હાર્બરના આધુનિકીકરણ અને અપગ્રેડેશન માટે કોચીન બંદર ટ્રસ્ટની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી અને કુલ રૂ. 169.17 કરોડના પ્રોજેક્ટ ખર્ચ માટે રૂ. 100 કરોડની કેન્દ્રીય સહાય પૂરી પાડવામાં આવી હતી. આ પ્રોજેક્ટથી કોચીન માછીમારી બંદર પર 700 માછીમારી બોટના નાવિકોને ફાયદો થશે, આ બોટ લગભગ 10000 માછીમારોને સીધી આજીવિકા પૂરી પાડશે અને પરોક્ષ રીતે લગભગ 30000 માછીમારોને આજીવિકા મેળવવામાં મદદ કરશે. આધુનિકીકરણ પ્રોજેક્ટ સેક્ટરમાં સેનિટરી સ્થિતિમાં નોંધપાત્ર સુધારા તરફ દોરી જશે અને માછલી અને માછલી ઉત્પાદનોની નિકાસમાંથી કમાણીમાં વધારો કરશે.
આધુનિકીકરણ હેઠળ હાથ ધરવામાં આવેલી મુખ્ય પ્રવૃત્તિઓમાં એર-કન્ડિશન્ડ ઓક્શન હોલ, ફિશ ડ્રેસિંગ યુનિટ, પેકેજિંગ યુનિટ, આંતરિક રસ્તાઓ, લોડિંગ અને અનલોડિંગ પ્લેટફોર્મ, ઓફિસો, ડોર્મિટરીઝ અને ફૂડ કોર્ટનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટમાં 55.85 કરોડના ખર્ચે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ હેઠળ કોલ્ડ સ્ટોરેજ, સ્લરી અને ટ્યુબ આઈસ પ્લાન્ટ, મલ્ટિ-લેવલ કાર પાર્કિંગ સુવિધા, રિવર્સ ઓસ્મોસિસ પ્લાન્ટ, ફૂડ કોર્ટ, રિટેલ માર્કેટ વગેરેની સ્થાપના કરવામાં આવશે. મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, સરકારે ફિશરીઝ એન્ડ એક્વાકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ (FIDF), સાગરમાલા યોજના અને પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ આધુનિક ફિશિંગ બંદરો અને ફિશ લેન્ડિંગ સેન્ટર વિકસાવવા માટે પગલાં લીધાં છે.