અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબકકાની 89 બેઠકો માટે આવતીકાલે તા. 1લી ડિસેમ્બરે મતદાન યોજાશે. સૌરાષ્ટ્ર-કચ્છ તથા દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાને આવરી લેતી આ ચૂંટણી માટે તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. છેવટ સુધી મતદારો નિરસ હોવાથી ઉમેદવારોમાં અજંપો છે છતાં જીત પાકી કરવા આજે રાત્રે છેલ્લી ઘડીને રાજકીય દાવપેચ જામશે. રાજકીય શતરંજના ચોગઠા ગોઠવાશે.
ગુજરાત વિધાનસભાની 182 બેઠકોની ચૂંટણી બે તબકકે યોજાશે. જેમાં આવતીકાલે તા.1લી ડિસેમ્બરે પ્રથમ તબકકામાં 19 જિલ્લાની 89 બેઠકોમાં મતદાન યોજાશે. સૌરાષ્ટ્ર-કચ્છ તથા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ચૂંટણી યોજાશે. આ ક્ષેત્રોમાં જાહેર પ્રચાર પડધમ પર ગઈકાલે સાંજથી જ શાંત પડી ગયા છે. અને ઉમેદવારોએ છેલ્લી ઘડીના દાવપેચ ઉપરાંત ડોર-ટુ-ડોર સંપર્કનો આશરો લીધો છે. પરંતુ આ વખતે મતદારો નિરસ હોવાથી રાજકીય પંડિતોના ગણિત પણ ઊંધા પડે તો નવાઈ નહીં, રાજ્યના 19 જિલ્લાની 89 બેઠકો માટે 788 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. આ વખતે ત્રિપાંખીયો જંગ છે. ભાજપ, કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીએ તમામ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હોવાથી ત્રણેય પક્ષો વચ્ચે સીધો જંગ છે. 788માંથી 718 પુરુષ તથા 70 મહિલા ઉમેદવારો છે. ચૂંટણી લડતા રાજકીય પક્ષોની સંખ્યા 39 છે જયારે કુલ મતદારોની સંખ્યા 2,39,76,670 છે તેમાં 1.24 કરોડ પુરૂષ અને 1.15 કરોડ મહિલા મતદારો છે. 497 ત્રીજી જાતિના મતદારો છે.
રાજ્યમાં ચૂંટણી જાહેર થઈ ત્યારથી અત્યાર સુધીમાં સામાન્ય લોકોમાં ચૂંટણીને લઈને ઉત્સાહ ઘણો ઓછો જોવા મળી રહ્યો છે. સભાઓ, રેલીઓ, પ્રવચનોમાં સંખ્યા જોવા મળતી નથી તેમજ સોસાયટીઓના ચોકમાં અને પ્લોટમાં થતા કાર્યક્રમો પણ ઘટી ગયા છે જે તમામ રાજકીય પક્ષો માટે ચિંતાનું કારણ બન્યું છે. આવતી કાલે 89 બેઠકોની ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ એડીચોટીનું જોર લગાવ્યુ છે. આજે દિવસ દરમિયાન ઉમેદવારો અને તેના સમર્થકો ડોર ટુ ડોર પ્રચાર કરતા જોવા મળ્યા હતા. આજે રાતે ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી છેલ્લી ઘડીની સ્ટેટેજી નક્કી કરશે. મતદારોને રિઝવવા માટે શહેરોના સ્લમ વિસ્તારો અને ગાંમડાઓમાં અવનવા પ્રલોભનો અપાશે. અને શતરંજના ચોગઠાં ગોઠવાશે.