Site icon Revoi.in

સતત પાંચમા વર્ષે એનઆઇએમસીજેને નેશનલ રેન્કિંગમાં સ્થાન મળ્યું

Social Share

અમદાવાદ: ભારતના પ્રતિષ્ઠિત અંગ્રેજી/ હિન્દી સામાયિક ઈન્ડિયા ટુ ડે દ્વારા દર વર્ષે ‘ બેસ્ટ કોલેજીઝ ઓફ ઇન્ડિયા ‘ નું નેશનલ રેન્કિંગ જાહેર કરવામાં આવે છે. જેમાં માસ કોમ્યુનિકેશન કોલેજીઝની કેટેગરીમાં સતત પાચમાં વર્ષે અમદાવાદ સ્થિત નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ માસ કોમ્યુનિકેશન ઍન્ડ જર્નલિઝમ ( NIMCJ) એ સ્થાન પ્રાપ્ત કર્યું છે.આ રેંકિંગમાં સ્થાન મેળવનાર એનઆઇએમસીજે ગુજરાતની એકમાત્ર મીડીયા શિક્ષણ સંસ્થા છે.

 

આ વિશે વધુ વિગતો આપતા સંસ્થાના નિયામક પ્રો( ડૉ) શિરીષ કાશીકરે જણાવ્યું હતું કે, NIMCJ ના શૈક્ષણિક/ બિન શૈક્ષણિક કર્મચારીગણની ટીમ ભાવના અને વિદ્યાર્થીઓની મહેનતના કારણે સંસ્થા સતત પાંચ વર્ષથી આ સન્માન પ્રાપ્ત કરી રહી છે.સંસ્થાના મેનેજમેન્ટનો ઉત્તમ હકારાત્મક અભિગમ હંમેશા અમારું પ્રેરકબળ રહ્યું છે.

ડૉ. કાશીકરે વધુમાં જણાવ્યું હતું કે ઇન્ડિયા ટુ ડે દ્વારા સંપૂર્ણ વૈજ્ઞાનિક ઢબે આ સર્વેક્ષણ કરવામાં આવે છે જેમાં પાંચ વ્યાપક માપદંડોને ધ્યાનમાં લેવામાં આવે છે.કોલેજમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થિની ગુણવત્તા અને વહીવટી વ્યવસ્થાઓ, શૈક્ષણિક ગુણવત્તા, સંસ્થાનું બુનિયાદી માળખું , વિદ્યાર્થીઓનો ત્યાં શિક્ષણનો અનુભવ, વ્યકિતત્વ અને નેતૃત્વ ક્ષમતાના વિકાસની તકો, કરિયરમાં પ્રગતિની તકો રોજગારી/ નોકરી મળવાની સંભાવનાઓ જેવા માપદંડો ધ્યાનમાં લેવાય છે. વિશેષતઃ કોરોનાકાળમાં અને બાદમાં સંસ્થા દ્વારા આ સ્થિતિ સામે કરવામાં આવેલી વિદ્યાર્થીલક્ષી વ્યવસ્થાઓ અને શિક્ષણની નવી તરાહોને પણ ધ્યાનમાં લેવામાં આવે છે.

હાલ સંસ્થા દ્વારા ચલાવાતા બીએજેએમસી (BAJMC) અભ્યાસક્રમમાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા કેન્દ્રીય પદ્ધતિથી પ્રવેશ શરૂ થઈ ગયો છે.સંસ્થા દ્વારા વિધાર્થીઓને પ્લેસમેન્ટ માટેની સંપૂર્ણ તૈયારીની સાથે સ્ટાર્ટઅપ/ સ્વરોજગારી માટે જરૂરી માર્ગદર્શન અને સુવિધા આપવામાં આવે છે, તેમ ડૉ કાશીકરે જણાવ્યું હતું.