અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ITIના વિદ્યાર્થીઓ માટે ધો.12નું સમકક્ષતા પ્રમાણપત્ર માટે સપ્ટેમ્બર મહિનામાં જ પરીક્ષા લેવાશે. આ માટે બોર્ડ દ્વારા ધો.12 અંગ્રેજી વિષયની પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષાને લઈને આજથી ઓનલાઈન આવેદનપત્રો ભરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ 9 સપ્ટેમ્બર સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. બોર્ડ દ્વારા જિલ્લા મથકો પર આ પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. માત્ર અંતિમ સેમેસ્ટરના વિદ્યાર્થીઓ જ આ પરીક્ષામાં ઉપસ્થિત રહી શકશે તેમ પણ બોર્ડ દ્વારા જણાવાયું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે ITIના અભ્યાસક્રમના અંતિમ સેમેસ્ટરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ધો.12નું શૈક્ષણિક સમકક્ષતા પ્રમાણપત્ર મેળવી શકે તે હેતુથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12 અંગ્રેજી (દ્વિતીય ભાષા)ની પરીક્ષા સપ્ટેમ્બર મહિનામાં જ લેવાનો નિર્ણય કર્યો છે. આ માટેના ઓનલાઈન આવેદનપત્રો આજે 1લી સપ્ટેમ્બરથી તા. 9મી સપ્ટેમ્બર સુધી બોર્ડની વેબસાઈટ પરથી ભરવાના રહેશે. વિદ્યાર્થી નજીકની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈ પણ ઉચ્ચતર માધ્યમિક શાળામાંથી આવેદનપત્ર ભરી શકે તેવી વ્યવસ્થા બોર્ડ દ્વારા કરવામાં આવી છે. આવેદનપત્ર સાથે નિયત નમૂનાનું બોનાફાઈડ સર્ટિફિકેટ, ધો.10ની માર્કશીટ અને એલસીની નકલ અપલોડ કરવાની રહેશે. વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે રૂ. 140ની ફી ફોર્મ સાથે ઓનલાઈન ભરવાની રહેશે. મહિલા વિદ્યાર્થી અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને પરીક્ષા ફીમાંથી મુક્તિ આપવામાં આવેલી છે. ચાલુ વર્ષના ITIના NCVT અને GCVTના અંતિમ સેમેસ્ટરના વિદ્યાર્થીઓ જ આ પરીક્ષામાં ઉપસ્થિત થઈ શકશે. માત્ર ધો.12 અંગ્રેજી વિષય માટે જ પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા માટેની તારીખ બોર્ડ દ્વારા હવે પછીથી જાહેર કરવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. ઉપરાંત બોર્ડ દ્વારા લેવાનારી આ પરીક્ષા જિલ્લા મથકે બોર્ડ દ્વારા નક્કી કરેલા કેન્દ્રો પર જ લેવામાં આવનાર હોવાનું પણ બોર્ડના સૂત્રોએ જણાવ્યું હતું.