અમદાવાદઃ ગુજરાતમાં એચઆઈવીગ્રસ્ત દર્દીઓને મુખ્યપ્રવાહમાં લાવવા માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન અમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશન દ્વારા એચઆઈવીગ્રસ્ત 15 જેટલી ગર્ભવતી મહિલાઓનું પ્રથમવાર સીમંતનું આયોજન કરવામાં આવ્યું છે. એચઆઈવી એઈડ્સ અંગે જાગૃતિ ફેલાવતી વિવિધ સંસ્થાઓ સાથે મળીને અમદાવાદ મનપા શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં એચઆઈવીગ્રસ્ત મહિલાઓના સીમંતનો પ્રસંગ યોજશે. એટલું જ નહીં આરપીએફના જવાનો આ તમામ મહિલાઓની સુરક્ષાના શપથ લેશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એઈડ્સ કન્ટ્રોલ સોસાયટી અને એચઆઈવી એઈડ્સ અંગે જાગૃતિ ફેલાવતી વિવિધ સંસ્થાઓ દ્વારા એચઆઈવીગ્રસ્ત ગર્ભવતી મહિલાઓના સીંમત કાર્યક્રમ મારફતે સામાજીક સુરક્ષા પુરી પાડવામાં આવશે. તેમજ આ કાર્યક્રમમાં એચઆઈવીથી પીડિત મહિલા રાજ્યભરમાંથી ઉપસ્થિત રહેશે. એચઆઈવીગ્રસ્ત દર્દી સાથે મોટાભાગના લોકો ભેદભાવ કરતા હોય છે. જેથી દર્દીઓને માનસિક યાતનામાંથી પસાર થવું પડે છે. જો કે, આ મહિલાઓની સુરક્ષા માટે આરપીએફના જવાનો શપથ લેશે. તેમજ આ મહિલાઓને પરિસ્થિતિનો સામનો કરવાની હિંમત આપશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એઇડ્સ કન્ટ્રોલ સોસાયટીના પ્રોજેક્ટ ડિરેક્ટર ડો. મેહુલ આચાર્યે જણાવ્યું હતું કે, એચઆઈવીગ્રસ્ત મહિલાઓને સામાજિક અને કાયદાની દૃષ્ટિએ સુરક્ષા આપી મુખ્ય પ્રવાહમાં લાવવાનો અમારો પ્રયાસ છે. સિવિલ હોસ્પિટલના સિનિયર ડો. બી.કે.અમીને જણાવ્યું હતું કે, કોઈ પણ એચઆઈવીગ્રસ્ત મહિલાનું સમયસર નિદાય થાય અને દવા શરૂ કરવામાં આવે તો આવનાર બાળકને એચઆઈવીના ચેપથી બચાવી શકાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં એચઆઈવીગ્રસ્ત દર્દીઓની ઓળખ ના થાય અને તેમને યોગ્ય સારવાર મળી રહે તે માટે સરકાર દ્વારા કામગીરી કરવામાં આવે છે.