દિલ્હી:અમેરિકાના ઈતિહાસમાં પ્રથમ વખત બે મહિલાઓના હસ્તાક્ષરવાળી યુએસ કરન્સી જારી કરવામાં આવી છે.આ મહિલાઓ છે અમેરિકાના નાણા મંત્રી જેનેટ યેલેન અને ટ્રેઝરર મેરિલીન મલેરબા.અમેરિકામાં બીજી પાંચ ડોલરની નોટ પર આ બંને મહિલાઓના હસ્તાક્ષર જોવા મળશે.બંને મહિલાઓની સહી સાથેના આ ડોલર ગુરુવારે બહાર પાડવામાં આવ્યા હતા.
યેલેનનું કહેવું છે કે આ એક એવી પરંપરા છે જેના હેઠળ દેશના નાણામંત્રી દ્વારા યુએસ ડોલર પર હસ્તાક્ષર કરવામાં આવે છે.પરંતુ અમેરિકાના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે, જ્યારે કોઈ મહિલાએ નાણામંત્રીનું પદ સંભાળ્યું છે.
યેલેને અગાઉ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે,આ પહેલાના નાણા મંત્રી રહી ચુકેલા તેના બે સાથીદારો ટિમ ગેથર અને જેક લ્યુની એટલી ખરાબ સહી હતી કે,લોકો તેમનો મજાક ઉડાવતા હતા. યેલેને ગેઈથનરને કહ્યું કે,તેને માન્ય દેખાડવા માટે તેની સહી બદલવી પડી, પરંતુ મેં મારા હસ્તાક્ષરની ઘણી પ્રેક્ટિસ કરી છે.
યેલેનનું કહેવું છે કે,આ મારી અથવા કરંસી પર નવા હસ્તાક્ષરનો મામલો નથી.તે આપણા અર્થતંત્રને વધુ મજબૂત અને સમાવિષ્ટ બનાવવાના આપણા સામૂહિક કાર્ય સાથે જોડાયેલું છે. યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે,આ નવી નોટો ડિસેમ્બરમાં ફેડરલ રિઝર્વ સુધી પહોંચશે અને 2023ની શરૂઆતથી ચલણમાં હશે.
તેમણે કહ્યું કે,અમે આ પગલા દ્વારા નાણાકીય ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધારવા માંગીએ છીએ, પરંતુ આ દિશામાં ઘણું કરવાનું બાકી છે.