Site icon Revoi.in

ગુજરાત વિદ્યાપીઠમાં પ્રથમવાર હવે સવાર અને બપોરની પાળીમાં વિદ્યાર્થીઓને ભણાવાશે,

Social Share

અમદાવાદઃ ગાંધીવાદી ગણાતી શૈક્ષણિક સંસ્થા ગુજરાત વિદ્યાપીઠમાં પરંપરા અને પ્રણાલી મુજબ વર્ષોથી સવારની સમૂહ પ્રાર્થના બાદ શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થતો હતો. અને સાંજ સુધી વર્ગો ચાલતા હતા. પરંતુ જેમાં વિદ્યાર્થીઓ ભણવા સાથે કોઈ પણ અન્ય પ્રવૃત્તિ કે નોકરી કરી શકતા ન હતા .પરંતુ હવે ચાલુ શૈક્ષણિક વર્ષથી ગૂજરાત વિદ્યાપીઠ પ્રથમવાર બે પાળીમાં ચાલશે એટલે કે કેટલાક ડિપાર્ટમેન્ટ સવારની પાળીમાં અને કેટલાક ડિપાર્ટમેન્ટ બપોરની પાળીમાં ચાલશે. જેથી વિદ્યાર્થીઓને ફાયદો થશે.

ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક હર્ષદ પટેલે જણાવન્યું હતું કે, આજે 1લી જુલાઈથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. આ વર્ષે યુજી, પીજી અને પીજી ડિપ્લોમા સહિતના વિવિધ કોર્સીસમાં 1200 જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. ગત વર્ષે 800  વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. ત્યારે આ વર્ષે 400 જેટલા વિદ્યાર્થી વધ્યા છે. 29મી જુને મળેલી એકેડેમિક કાઉન્સિલ-એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં લેવાયેલા નિર્ણયો મુજબ વિદ્યાપીઠને બે પાળીમાં ચલાવાશે. જેમાં યોગ, પત્રકારત્વ, બી.એડ.એમ.એડ, લાયબ્રેરી સાયન્સ અને એમએચઆરડી સહિતના છ ડિપાર્ટમેન્ટમાં શૈક્ષણિક વર્ગો સવારની પાળીમાં ચલાવાશે અને બાકીના ડિપાર્ટમેન્ટમાં બપોરના પાળીમાં વર્ગો ચાલશે.

ગુજરાત વિદ્યાપીઠના રાંધેજા કેમ્પસમાં ચાલતા એમબીએ કોર્સમાં 32 બેઠકો હતી પરંતુ વિદ્યાપીઠે બેઠક વધારો માંગ્યો હતો અને જેમાં એઆઈસીટીઈએ બેઠક વધારાની મંજૂરી આપતા હવે 60 બેઠકો રહેશે. ઉપરાંત એઆઈસીટીઈએ રાંધેજાથી અમદાવાદના કેમ્પસમાં એમબીએ કોર્સને ખસેડવાની મંજૂરી પણ આપતા આ વષેથી એમબીએ અમદાવાદ કેમ્પસમાં ચાલશે.  વિદ્યાપીઠનું એકેડેમિક કેલેન્ડર પણ એકેડેમિક બેઠકમાં મજૂર થયુ હતું. જેમાં 222 દિવસો શિક્ષણના નક્કી કરાયા છે. વિદ્યાપીઠ દ્વારા ઓડ અને ઈવન એટલે કે સેમેસ્ટર-1 અને સેમેસ્ટર-2ની અંગ્રેજી પેટર્નને બદલે બે શૈક્ષણિક સત્ર ભારતીય પરંપરા મુજબ ગુરૂપૂર્ણિમા સત્ર તથા વસંતપંચમી સત્ર તરીકે ચલાવાશે.