Site icon Revoi.in

ઇતિહાસમાં પ્રથમવાર ગુજરાતની છ દીકરીઓ ઓલિમ્પીકમાં ભારતનું કરશે પ્રતિનિધિત્વ

Social Share

અમદાવાદઃ ટોક્યોમાં તા. 23મી જુલાઈના રોજ ઓલેમ્પિક રમતનો પ્રારંભ થશે. જેમાં ભારતીય ખેલાડીઓ સારુ પ્રદર્શન કરવા માટે હાલ પરસેવો પાડી રહ્યાં છે. આ વર્ષે ગુજરાતની છ દિકરીઓ પણ ઓલિમ્પકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આમ ગુજરાતની સ્થાપના બાદ કદાચ પ્રથમવાર ગુજરાતના એક-બે નહીં છ ખેલાડી વિશ્વ કક્ષાની રમત-ગમત સ્પર્ધામાં ભાગ લેશે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ ખેલાડીઓના આત્મવિશ્વાસમાં વધારો કરવા માટે 10-10 લાખની સહાયની જાહેરાત કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ખેલ મહોત્વનું આયોજન કરવામાં આવે છે. જેમાં ખેલાડીઓની અંદર રહેલી પ્રતિભાને બહાર લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગુજરાત રાજ્યના ઇતિહાસમાં 60 વર્ષમાં પ્રથમવાર ગુજરાતના ખેલાડીઓ વિશ્વ કક્ષાની રમત-ગમત સ્પર્ધા ઓલમ્પિક રમતોમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે. જેમાં માના પટેલ સ્વિમિંગમાં, એલાવેનિલ વાલારિવન શૂટિંગમાં, અંકિતા રૈના ટેનીસમાં, સોનલ પટેલ તથા ભાવિના પટેલ પેરા ટેબલ ટેનિસમાં અને પારુલ પરમાર પેરા બેડમિન્ટન રમતમાં ટોક્યો ઓલમ્પિક-પેરા ઓલમ્પિક ખાતે વિશ્વના અન્ય દેશના ખેલાડીઓ સાથે સ્પર્ધામાં ઉતરશે. ઓલિમ્પિકમાં આ વર્ષે ભારત વધારેમાં વધારે ગોલ્ડ મેડલ લાવે તેવી આશા દેશવાસીઓ રાખી રહ્યાં છે.

દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ છ પ્રતિભાવંત મહિલા ખેલાડીઓને દરેકને રૂ. 10 લાખની નાણાકીય આપવા સાથે આગામી ટોક્યો ઓલમ્પિક-પેરા ઓલમ્પિકમાં આ દિકરીઓ ગુજરાતનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી છે. ટોક્યો ઓલમ્પિક -2021 રમતો આ વર્ષે તા.ર3મી જુલાઇથી તા. 8 ઓગસ્ટ સુધી અને પેરા ઓલમ્પિક રમતો તા. 24 ઓગસ્ટથી તા. 5 સપ્ટેમ્બર સુધી જાપાનના ટોક્યોમાં રમાશે.