નવી દિલ્હીઃ ઈઝરાયેલે ગાઝામાં સીધી માનવીય મદદ પહોંચાડવા માટે પહેલી વખત રસ્તો ખોલ્યો છે. 2 મહિનાથી ચાલી રહેલા સંઘર્ષ પછી ઈઝરાયેલે પોતાના નિયંત્રણવાળા એક વિસ્તારને માનવ સહાયતા માટે ખોલી દીધો છે. ગઈકાલે ખોલવામાં આવેલા આ રસ્તાથી ગાઝાવાસીઓ માટે ખાદ્ય સામગ્રી અને આરોગ્યની વસ્તુઓ તેજ ગતિથી પહોંચવાની આશા છે. જો કે આ બધાની વચ્ચે ઈઝરાયેલે ગાઝા પર પોતાના હુમલા ચાલુ રાખ્યા છે. જેના કારણે ગાઝામાં ચાર દિવસથી સંચાર સેવા ઠપ્પ થઈ ગયેલી છે. જેના કારણે ઘાયલો સુધી પહોંચવું મુશ્કેલ બની રહ્યું છે. તો ઈઝરાયેલની સેનાએ ગઈકાલે ગાઝામાં હમાસની સૌથી મોટી ટનલ શોધી કાઢી હોવાનો દાવો કર્યો હતો. સિમેન્ટ, કોનક્રીટથી બનેલા આ ટનલ જમીનથી 50 મીટર નીચે મળી આવી છે. આ ટનલ એટલી પહોળી છે તેમાં સરળતાથી કાર પસાર થઈ શકે છે.
હમાસના આતંકવાદીઓએ તા. 7મી ઓક્ટોબરના રોજ ઈઝરાયલમાં આતંકવાદી હુમલો કર્યો હતો. આ આતંકવાદીઓએ લોકોના ઘરમાં ઘુસીને તથા જાહેરમાં ખુની ખેલ ખેલ્યો હતો. આ આતંકવાદી હુમલામાં 1400થી વધારે લોકોના મોત થયાં હતા. હમાસના આ કૃત્યથી નારાજ ઈઝરાયલે હમાસ ઉપર હુમલા શરુ કર્યાં હતા. બીજી તરફ હમાસ પણ ગાઝામાંથી છુપાઈને રોકેટ મારો કરી રહ્યું હતું. ઈઝરાયલની આર્મીએ ગાઝા ઉપર હવાઈ હુમલા કર્યાં હતા. ઈઝરાયલની સેનાએ કરેલી જવાબી કાર્યવાહીમાં હમાસના અનેક આતંકવાદીઓને ઠાર માર્યાં છે. એટલું જ નહીં હમાસના ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો છે. હજુ પણ આતંકવાદીઓનો ખાતમો બોલાવવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે.