રાજકોટમાં પ્રથમવાર વોટરપોલો સ્પર્ધા યોજાશે, 18 ટીમો લેશે ભાગ
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં યુવાનોમાં વિવિધ રમતોમાં રુચી વધી છે. તેમજ ગુજરાતના ખેલાડીઓએ વિવિધ રમતમાં ઉત્કૃષ પ્રદર્શન કરીને ગુજરાત જ નહીં દેશનું નામ રોશન કર્યું છે. ત્યારે હવે રાજકોટમાં પ્રથમ વાર વોટરપોલો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી ખેલપ્રેમીઓમાં ખુશી ફેલાઈ છે. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આ સ્પર્ધા યોજાશે.
સુત્રોના જણાવ્યા અનુસાર રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તા. 24થી 27 માર્ચ દરમિયાન વોટરપોલો સ્પર્ધા યોજાશે. જેમાં દેશભરમાંથી 18 જેટલી ટીમો ભાગ લેશે. પ્રથમ વખત રાજકોટમાં રાષ્ટ્રીય કક્ષાની વોટરપોલો સ્પર્ધા યોજાઈ રહી હોવાથી રમત પ્રેમીઓમાં ખુશી ફેલાઈ છે. ગુજરાતમાં ઓછી જાણીતી વોટરપોલો સ્પર્ધા માટે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેમજ રાજકોટમાં આયોજીત સ્પર્ધામાં ઓલિમ્પિક રમી ચૂકેલા કેટલાક ખેલાડીઓ પણ ભાગ લે તેવી શકયતા છે.
અત્રે ઉલ્લેખની છે કે, વોટરપોલોની એક ટીમમાં 13 ખેલાડી અને 2 કોચ હોય છે. વોટરપોલો રમત ફુટબોલ જેવી હોય છે. પરંતુ પાણીમાં રમવાની હોય છે.