Site icon Revoi.in

નવરાત્રી મહોત્સવ માટે GMDCના મેદાનમાં ભરાયેલા પાણી પંપથી ઉલેચાશે

Social Share

અમદાવાદઃ શહેરમાં દર વર્ષે જીએમડીસીના વિશાળ ગ્રાઉન્ડ પર વાઈબ્રન્ટ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. હવે નવરાત્રીના પર્વને ગણતરીના દિવસ બાકી હોવાથી સરકારી તંત્ર દ્વારા નવરાત્રી મહોત્સવની તૈયારીઓ કરવામાં આવી રહી હતી ત્યારે વરસાદ પડતા જીએમડીસી મેદાન પર પાણી ભરાઈ જતાં હવે તંત્ર દ્વારા પંપ મુકીને પાણી ઉલેચવામાં આવી રહ્યું છે. પાણી ઉલેચાયા બાદ ગ્રાઉન્ડ સુકાતા પણ ત્રણ-ચાર દિવસનો સમય લાગે તેમ છે. જોકે તંત્રએ દાવો કર્યો છે કે, માટી-મોરમ નાખીને મેદાન તૈયાર કરી દેવાશે પણ જો હવે વરસાદ પડશે તો નવરાત્રી મહોત્સવ યોજવો મુશ્કેલ બનશે.

અમદાવાદ શહેરમાં તાજેતરમાં પડેલા વરસાદને કારણે જીએમડીસીના મેદાનમાં પાણી ભરાઈ ગયા છે. એટલે જીએમડીસીના મેદાનમાં નવરાત્રી મહોત્સવ યોજવા માટે મેદાનમાં ભરાયેલા પાણીને પંપ દ્વારા ઉલેચવામાં આવી રહ્યા છે. હવે વરસાદ પડશે તો નવરાત્રી મહોત્સવ યોજવો મુશ્કેલ બનશે. જોકે આજથી વરસાદનું જોર થોડુ ઘટ્યું છે. આજે રવિવારે બપોર સુધીમાં રાજ્યના 63 તાલુકામાં વરસાદ પડ્યો હતો. હજુ એક-બે દિવસ હળવા ઝાપટાં પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સિસ્ટમ નબળી પડવા સાથે કાલે સોમવારથી વરસાદ અટકી જવાની શક્યતા છે. શનિવારે શહેરના વિવિધ વિસ્તારોમાં હળવાં ઝાપટાં પડ્યા હતા.

અમદાવાદમાં દર વર્ષે જીએમડીસી ગ્રાઉન્ડ પર સરકાર વાઈબ્રન્ટ ગુજરાત નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે. છેલ્લા બે-ત્રણ દિવસથી પડેલા વરસાદને કારણે હાલ ગરબાના સ્થળે પાણી ભરાઈ ગયા છે. ગુજરાત ટૂરિઝમ કોર્પોરેશનના એમડીના જણાવ્યા અનુસાર, વરસાદી પાણી પંપ દ્વારા ઉલેચવામાં આવી રહ્યા છે. વધુ વરસાદ નહીં આવે તો રાબેતા મુજબ ગરબા આયોજન ચાલુ રહેશે.