Site icon Revoi.in

ગુજરાતમાં G-2Oના પ્રમોશન માટે સરકાર દ્વારા મેરેથોન, લાઈટ શો, સહિત ઈવેન્ટનું આયોજન કરાયું

Social Share

ગાંધીનગરઃ ભારત દેશને પ્રથમવાર જી-20નું યજમાનપદ મળ્યુ છે. અને જી-20ની 15 જેટલી મહત્વની બેઠકો ગુજરાતમાં યોજાવાની છે. ત્યારે ગુજરાતમાં જી-20નું પ્રમોશન કરવા અને લોકભાગીદારી વધારવાના ભાગરૂપે રાજ્ય સરકારે વિભાગોને વિવિધ કાર્યક્રમો અને ઇવેન્ટ યોજવાની જવાબદારી સોંપી છે. આગામી સમયમાં સમગ્ર રાજ્યમાં અને ખાસ કરીને જ્યાં બેઠકો યોજાવાની છે, તેવા સ્થળોએ જી-20નો માહોલ ઊભો કરવા માટે વિભાગોને કામગીરી સોંપવામાં આવી છે. જેના ભાગરૂપે રાજ્યના મોટા શહેરોમાં ટ્રાફિક પોલીસના યુનિફોર્મ પર પણ જી-20નો લોગો લગાવવામાં આવશે. શહેરોમાં લાઇટિંગ શો જેવી ઇવેન્ટ પણ યોજવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં જી-20ના પ્રમોશન માટે ઉદ્યોગ વિભાગ દ્વારા વિવિધ વિભાગના અધિકારીઓની કમિટી બનાવવામાં આવી છે, અને તેમને પોતાના વિભાગ પ્રમાણેના વિષયો પર કાર્યક્રમોનું આયોજન કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. ગૃહ વિભાગ દ્વારા ટ્રાફિક પોલીસના યુનિફોર્મ પર જી-20ના બેજ લગાવવા, મોટા ટ્રાફિક જંક્શનને જી-20ની થીમ પર ડેકોરેટ કરવા અને જી-20 બ્રાન્ડિંગથી ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામ યોજવાની કામગીરી કરાશે. જી-20ની થીમ સાથે મેરેથોન પણ યોજાશે. ઉપરાંત ડ્રોન શો, સ્પેશિયલ લાઇટ શો, ક્રાફ્ટ બજાર, સિટી ડેકોરેશન કેમ્પેઇન, મહેમાનોને સેલેબ્રિટી તરફથી આવકાર આપવા જેવા આયોજન શહેરી વિકાસ વિભાગ દ્વારા કરાશે. ફૂડ ફેસ્ટિવલ, પરંપરાગત કલા અને વાનગીઓનું પ્રદર્શન, શોપિંગ મોલ પર જી-20ની થીમ પર ફ્લેશ મોબ, સ્પોર્ટસ ઇવેન્ટ જેવા આયોજન રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા કરવામાં આવશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, પ્રવાસન વિભાગ દ્વારા મહત્વના પ્રવાસન સ્થળો પર જી-20ના બ્રાન્ડિગ માટે લાઇટ એન્ડ સાઉન્ડ શોનું આયોજન કરવાનું પ્લાનિંગ કર્યું છે. આ સાથે શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને આકર્ષવા માટે જી-20 થીમ પર શાળા તેમજ કોલેજોમાં ડીબેટ, ક્વિઝ, લોગો કોમ્પિટિશન, કલ્ચરલ શો અને સ્ટાર્ટઅપ ઇવેન્ટ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને પણ જોડવામાં આવશે.