Site icon Revoi.in

આઝાદી પછી બીજીવાર દેશની જનતાએ સતત ત્રીજી વખત સરકારની સેવા કરવાની તક આપીઃ નરેન્દ્ર મોદી

Social Share

નવી દિલ્હીઃ 18મી લોકસભાના પ્રથમ સત્રની શરૂઆત પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે મીડિયાને સંબોધતા કહ્યું કે, જનતાએ અમારી નિયત અને નીતિઓ પર મહોર લગાવી છે. અમે બધાને સાથે લઈને ચાલવા માંગીએ છીએ. સંસદીય લોકશાહીમાં આ એક ગૌરવપૂર્ણ દિવસ છે. આઝાદી પછી પહેલીવાર શપથ ગ્રહણ સમારોહ આપણી જ નવી સંસદ ભવનમાં થઈ રહ્યો છે.

તેમણે કહ્યું કે, આજથી 18મી લોકસભા શરૂ થઈ રહી છે. વિશ્વની સૌથી મોટી ચૂંટણી ભવ્ય અને શાનદાર રીતે યોજાઈ હતી. આ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આઝાદી પછી બીજી વખત દેશની જનતાએ સતત ત્રીજી વખત સરકારની સેવા કરવાની તક આપી છે. છેલ્લા 10 વર્ષોમાં, અમે હંમેશા એક પરંપરાને અમલમાં મૂકવાનો પ્રયાસ કર્યો છે, કારણ કે અમે માનીએ છીએ કે સરકાર ચલાવવા માટે બહુમતીની જરૂર છે, પરંતુ દેશ ચલાવવા માટે સર્વસંમતિ સૌથી મહત્વપૂર્ણ છે. અમે બધાને સાથે લઈને આગળ વધવા માંગીએ છીએ અને નિર્ણયોને ઝડપી બનાવવા માંગીએ છીએ.

દેશમાં તાજેતરમાં જ લોકસભાની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં ભાજપાને 240 જેટલી બેઠકો મળી હતી. જ્યારે ભાજપની આગાવાની હેઠળના એનડીએને સ્પષ્ટ બહુમતી મળી હતી. જ્યારે વિપક્ષી દળોના ગ્રુપ ઈન્ડી ગઠબંધનને 233 જેટલી બેઠકો મળી હતી. લોકસભાની ચૂંટણીમાં વર્ષ 2019ની સરખામણીમાં કોંગ્રેસે સારુ પ્રદર્શન કર્યું છે. કોંગ્રેસે 99 બેઠકો ઉપર જીત મેળવી હતી. લોકસભાની ચૂંટણી બાદ એનડીએ દ્વારા વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીની પસંદગી કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના મંત્રીમંડળે શપથ ગ્રહણ કર્યાના બીજા જ દિવસથી પોતાનો કાર્યભાળ સંભાળી લીધો હતો.