અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીમાં ભાજપના રાજ્યસભાના સભ્ય અભયભાઈ ભારદ્વાજ અને કોંગ્રેસના અહેમદ પટેલના અવસાન થયાં હતા. જેથી રાજ્યસભાની બે બેઠકો ખાલી પડી હતી. આ બેઠકો માટે આગામી તા. 1લી માર્ચના રોજ ચૂંટણી યોજાશે. તેમજ તા. 1લી માર્ચના રોજ જ પરિણામ જાહેર કરવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર કોંગ્રેસના સિનિયર નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદભાઈ પટેલનું તા. 25મી નવેમ્બરના રોજ નિધન થયું હતું. જ્યારે ભાજપના રાજ્યસભાના સભ્ય અભયભાઈ ભારદ્વાજનું તા. 1 ડિસેમ્બરના રોજ અવસાન થયું હતું. જેથી ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો ખાલી પડી હતી. ચૂંટણીપંચ દ્વારા આ બંને બેઠકોને લઈને ચૂંટણીની તારીખ જાહેરાત કરવામાં આવી છે.
રાજ્યસભાની ચૂંટણી માટે તા. 11મી ફેબ્રુઆરીના રોજ જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવશે. તા. 18મી ફેબ્રુઆરી સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. તા. 22મી ફેબ્રુઆરી સુધી ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે. તા. 1લી માર્ચના રોજ મતદાન યોજાશે. સાંજે પાંચ કલાકે મતગણતરી હાથ ધરવામાં આવશે.